બ્રિટિશ ડેટા એનાલિસ્ટ કંપની ‘કેમ્બ્રિજ એનાલિટિકા’એ ફેસબુક પરથી અંદાજે ૫ કરોડ વપરાશકર્તાનો ડેટા ચોરી કરીને મેળવ્યો હોવાની વિગત સામે આવી છે. ફેસબુક પાસેથી ડેટા લીક થઈ રહ્યો હોવાની વાત સાબિત થતા અમેરિકી શેરબજારમાં તેના શેર તૂટયા હતા. પરિણામે એક દિવસમાં ફેસબૂક ઈન્કોર્પોરેશનને અંદાજે ૩૭ અબજ ડોલરનું નુકસાન થયું હતુ, જ્યારે તેના માલિક માર્ક ઝૂકરબર્ગની સંપત્તિમાં ૬ અબજ ડોલરનો ઘટાડો થયો હતો. ડેટા લીકનો મામલો અત્યારનો નથી, પરંતુ સામે અત્યારે આવ્યો છે.
અમેરિકી રાષ્ટ્રપ્રમુખની ચૂંટણી વખતે બ્રિટિશ કંપની કેમ્બ્રિજ એનાલિટિકાએ ટ્રમ્પની મદદ કરી હતી. આ કંપની ત્યારે ટ્રમ્પની ચૂંટણી પ્રચારની કામગીરી સંભાળતી ટીમમાં શામેલ હતી. વધુ લોકો સુધી માહિતી પહોંચાડવા હવે ફેસબૂક-વોટ્સએપ-ટ્વીટર પરથી લોકોને શોધીને તેમના સુધી મેસેજ પહોંચાડવાની રીત અજમાવામાં આવે છે. એનાલિટિકાએ આ ડેટા ચોરી કઈ રીતે કરી એ ઉકેલ મેળવવાનો હજુ બાકી છે.
પરંતુ બ્રિટિશ કંપનીએ ફેસબૂકની સુરક્ષામાં છીંડા શોધીને યુઝર્સનો ડેટા મેળવી લીધો હતો. પરિણામે દુનિયાભરમાં ફેસબૂકને સલામત ગણતા યુઝર્સને આઘાત લાગ્યો છે. ઘણા યુઝર્સે આ ઘટના પછી પોતાના ફેસબૂક એકાઉન્ટ ડિલિટ કરવાની શરૃઆત કરી દીધી છે. જોકે લંડન સ્થિતિ એનાલિટિકાએ પોતાનો બચાવ કરતા કહ્યું છે કે અમે ફેસબૂકના ડેટાનો ઉપયોગ નથી કર્યો.