આગામી નૂતનવર્ષને આવકારવા તા. ૩૧ ડિસેમ્બર, ૨૦૧૯ મંગળવારના રોજ સાંજના ૭-૦૦ વાગ્યાથી હરેકૃષ્ણ મંદિર, ભાડજ ખાતે ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. હરેકૃષ્ણ મંદિર,ભાડજ ખાતે નૂતનવર્ષ પ્રારંભની શરૂઆત નિમિતે એક વિસ્તૃત મનોરંજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં વૈવિધ્યપૂર્ણ કાર્યક્રમો જેવા કે આહલાદક સંગીત, વિનોદ અને ઉતેજનાસભર રમત-ગમત અને કૃષ્ણલીલા નૃત્ય નાટકની પેશગી અને ફુડ ફેસ્ટીવલ સહિતના ભકિતસભર ધાર્મિક કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જે શ્રધ્ધાળુ ભકતોને આધ્યાત્મિકતાનો અનુભવ (શાંતિ) પ્રદાન કરશે.
નૂતન વર્ષની રાત્રે હરેકૃષ્ણ મંદિર, ભાડજ ખાતે હજારો શ્રધ્ધાળુઓ ઉમટી પડશે. હરેકૃષ્ણ મંદિરના પ્રેસિડન્ટ સ્વામી જગનમોહન કૃષ્ણ દાસાએ જણાવ્યું હતું કે, જયારે નૂતનવર્ષની શરૂઆત નિમિતે અમદાવાદમાં ઘણા લોકોએ રાત્રી-પાર્ટીમાં હાજર રહેવાનું નકકી કર્યું હશે, ત્યારે હરેકૃષ્ણ મંદિર,ભાડજ એ આ તકનો લાભ લઈને અમદાવાદના લોકો માટે મંદિર પરિસરમાં આધ્યાત્મિક હર્ષોન્માદ સાથે નૂતનવર્ષની ઉજવણીમાં લોકોને જોડવા અને નૂતનવર્ષને આવકારવાનો નિર્ણય લીધો છે. જેથી આવનાર વર્ષ બધા લોકો માટે કલ્યાણકારી બની રહે. ઘણી બધી પ્રકારની ઉત્તેજનાસભર રમતોનું આયોજન કરવામાં આવ્યું છે, જેનો હેતુ સ્પર્ધકોને માત્ર મનોરંજન ન આપતા સાથેસાથે અતિમૂલ્ય આધ્યાત્મિક સિધ્ધાંતનો બોધ પણ મેળવશે જેનો લોકો પોતાના રોજીંદા જીવનમાં સમાવેશ કરીને લાભ મેળવશે.
જે લોકો મધ્યરાત્રિ સુધી પાર્ટી માણવાનો ધ્યેય ધરાવે છે તેઓ મહામંત્રના અથવા કૃષ્ણ ભજનના તાલે નાચીને આનંદ અનુભવશે. હરેકૃષ્ણ મંદિર દ્રારા છેલ્લા ચાર વર્ષથી આ રીતે નવા વર્ષની ઉજવણીનું આયોજન લાકોના કલ્યાણ અર્થે કરવામાં આવે છે અને ભગવાન શ્રી કૃષ્ણના આશીર્વાદ સાથે નવા વર્ષને આવકારવામાં આવે છે. હરેકૃષ્ણ મંદિરના પ્રેસિડન્ટ સ્વામી જગનમોહન કૃષ્ણ દાસાએ વધુમાં ઉમેર્યું કે, હરેકૃષ્ણ મંદિર,ભાડજ દ્વારા મંદિરની મુલાકાત લેનાર ભક્તોને સાત્વિક ભોજનનો આનંદ માણવાની તકરૂપે ભારતભરના રાજયોની જુદીજુદી વાનગીઓ અને રેસીપી સાથે તેના આંગણમાં ફુડ ફેસ્ટીવલનું આયોજન કરી રહ્યું છે. હરેકૃષ્ણ મંદિરના ભક્તો દ્વારા મુન્નાભાઈ ચલે ગુરૂ ઢુંઢને અને ઈન્ટરવ્યુ વીથ ઈન્દ્ર નાટકનું નિરૂપણ કરવામાં આવનાર છે. આ વખતે આશરે ૨૦૦૦ કરતા પણ વધુ લોકો આ ઈવેન્ટમાં ભાગ લેશે એવુ અનુમાન છે. હરેકૃષ્ણ મંદિરના ભક્તો દ્વારા મધ્યરાત્રિએ ભજનની સાથે મહા આરતી કરવામાં આવશે. ખાસ કેક પણ નવાવર્ષને આવકારવાના ભાગરૂપે બનાવવામાં આવશે જેને ભગવાન શ્રીકૃષ્ણને અર્પણ કર્યા બાદ બધા ભક્તોમાં વહેંચવામાં આવશે.