મૂળ મધ્યપ્રદેશનાં ભીંડ જિલ્લાનાં રહેવાસી જ્ઞાનસિંહ આશારામ જાદવ (ઉ.વ.૪૨) નવા વાડજ રામાપીરનાં ટેકરા નજીક આવેલી જલાભાઈની ચાલીમાં રહેતા હતા. તેઓ કલરકામ કરી પોતાનું ગુજરાન ચલાવતા હતા. જ્ઞાનસિંહને તેમની નજીક રહેતાં અને કલરકામના કોન્ટ્રાક્ટર સોનુ પાસેથી મજુરીના રૂપિયા લેવાના નીકળતા હતા. અવારનવાર રૂપિયાની માંગણી કરવા છતાં સોનુ રૂપિયા આપવાનાં બદલે જ્ઞાનસિંહ સાથે ઝઘડો કરતો હતો. મંગળવારે સવારે સાડા છ વાગ્યાનાં સુમારે જ્ઞાનસિંહ કલરકામનાં કોન્ટ્રાક્ટર સોનુના ઘરે પોતાની લેણી રકમ લેવા જતાં સોનુએ હું રૂપિયા નથી આપવાનો તારાથી થાય એ કરી લે કહીને તેની સાથે ઝઘડો કરતાં જ્ઞાનસિંહ ત્યાંથી જતો રહ્યો હતો.
ત્યારબાદ આશરે સાત વાગ્યાના સુમારે સોનું તથા અનિલ બંને જ્ઞાનસિંહનાં ઘરે આવ્યા હતા અને સોનુએ મારા ઘેર રૂપિયા માંગવા કેમ આવ્યો હતો કહીને ફરી એક વખત ઝઘડો કરી જ્ઞાનસિંહ સાથે મારામારી કરી હતી. આ સમગ્ર ઝઘડા દરમિયાન અનિલે કેરોસીન ભરેલો ડબ્બો સોનુને આપતાં તેમણે જ્ઞાનસિંહ પર કેરોસીન છાંટી દીધું હતું. સોનુએ દિવાસળી ચાંપી દેતાં જ્ઞાનસિંહ ભડભડ સળગવા લાગ્યા હતાં અને નાસભાગ કરી હતી. સ્થાનિકોએ તેઓને બચાવી સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા. ઘટના બનતા સોનુ અને અનિલ ત્યાંથી નાસી ગયા હતા. દરમ્યાનમાં ગઇકાલે સવારે જ્ઞાનસિંહનું સિવિલમાં સારવાર દરમ્યાન મોત નીપજ્યુ હતું, જેને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી જવાની સાથે અરેરાટીની લાગણી પ્રસરી ગઇ હતી. પોલીસે બંને આરોપીઓની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.