રાષ્ટ્રીય સ્તર પર પ્રથમ સ્થાને રહેલી ભારતીય જનતા પાર્ટીને ઝારખંડમાં વિધાનસભાની ચૂંટણીમાં હાર મળ્યા બાદ તેને હવે બોધપાઠ લેવાની જરૂર દેખાઇ રહી છે. આ બાબત તો સાચી છે કે લોકસભા, વિધાનસભા અને સ્થાનિક ચૂંટણી તમામ અલગ અલગ રહે છે. મધ્યપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, છત્તિસગઢ, ઝારખંડ જેવા રાજ્યોમાંથી સરકાર હાથમાંથી નિકળી ગયા બાદ ભારતીય જનતા પાર્ટી માટે કેટલાક પાસા પર નવેસરથી વિચારણા કરવાની જરૂર દેખાઇ રહી છે. લોકસભાની ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીએ સતત બીજી વખત પ્રચંડ બહુમતિ મેળવી લીધા બાદ કેટલાક રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીમાં પાર્ટીની હાર થઇ છે. ઝારખંડ પ્રદેશમાં આદિવાસી મુખ્યપ્રધાન ન હોવાની બાબતની અસર ભાજપને થઇ છે. આદિવાસીઓના જળ, વન્ય, તેમજ જમીનના અધિકારોને ખુબ સરળ બનાવી દેવાની બાબત પણ ચર્ચામાં રહી છે. કેટલાક કાયદામાં ફેરફારો, સરકારી નોકરીમાં સ્થાનિક નાગરિકોને પ્રાથમિકતા ન આપવા જેવી બાબતોને કારણે ભારતીય જનતા પાર્ટીને ફટકો પડ્યો છે. આ તમામ કારણોસર આદિવાસી લોકોમાં નારાજગી જોવા મળી રહી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રિય પ્રઘાન અમિત શાહ દ્વારા રાજ્યના સ્થાનિક મુદ્દાઓને ઉઠાવવાના બદલે રાષ્ટ્રીય મુદ્દા ઉઠાવવામાં આવ્યા હતા. જેને પ્રજાએ સ્પષ્ટરીતે ફગાવી દીધા છે. ભાજપ દ્વારા બિન આદિવાસી નેતા રઘુવર દાસ પર વિશ્વાસ વ્યક્ત કરીને ચૂંટણી લડવામાં આવી હતી. સામાન્ય રીતે જોવામાં આવે તો ઝારખંડમાં વિધાનસભાની ૨૮ સીટો આદિવાસી માટે અનામત રહેલી છે. અહીં આદિવાસીની ૨૬.૩ ટકા વસ્તી છે. આ દ્રષ્ટિએ આદિવાસી સમુદાયની અવગણના પણ ભાજપને ભારે પડી ગઇ છે. ઝારખંડમાં ચૂંટણી એવા સમય પર થઇ છે જ્યારે નાગરિક સુધારા કાનુન અને નેશનલ રજિસ્ટાર ઓફ સિટીજનશિપ પર રાષ્ટ્રીય સ્તર પર ચર્ચા જારી હતી. માનવામાં આવે છે કે રાજ્યના મતદારો પર તેની અસર થઇ છે.
ભાજપને સમજી લેવાની જરૂર છે કે આ પ્રકારના મામલા ચૂંટણી મુદ્દા બની શકે નહી. ભારતીય જનતા પાર્ટીએ અન્ય ભુલ એ કરી હતી કે ભાજપે એકલા હાથે ચૂંટણી લડી હતી. જ્યારે રાજ્યોના અન્ય પક્ષોએ સાથે મળીને ચૂંટણી લડી હતી. જેથી બિન ભાજપ પક્ષોએ ભારતીય જનતા પાર્ટીને પછડાટ આપી દીધી છે. ભાજપે મહારાષ્ટ્રમાં બિન મરાઠા દેવેન્દ્ર ફડનવીસ, હરિયાણામાં બિન જાટ મનોહરલાલ ખટ્ટર અને ઝારખંડમાં બિન આદિવાસી રઘુવરદાસને મેદાનમાં ઉતારી દીધા હતા. અહીં ભાજપે સૌથી મોટી ભુલ આ રાજ્યોમાં કરી હતી. નરેન્દ્ર મોદીને હવે વિચારણા કરવાની રહેશે કે જો આવી જ રીતે એક પછી એક રાજ્ય તેના હાથમાંથી નિકળી જશે તો કેન્દ્રની યોજનાઓને લાગુ કરવામાં તેને મુશ્કેલી પડી શકે છે.