કલમ ૩૭૦ની નાબુદી બાદ જમ્મુ કાશ્મીરના જુદા જુદા ભાગોમાં તૈનાત કરવામાં આવેલા કેન્દ્રિય દળોના જવાનોને હવે પરત બોલાવી લેવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. બીજી વખતમં કેન્દ્રિય દળોની ૭૨ કંપનીઓને તરત જ પરત બોલાવી લેવામાં આવનાર છે. કેન્દ્રિય ગૃહ મંત્રાલયની ઉચ્ચસ્તરીય બેઠકમાં ગઇકાલે આ નિર્ણય કરવામાં આવ્યા બાદ તેની ચર્ચા જોવા મળી રહી છે. નિર્ણયમાં કહેવામાં આવ્યુ છે કે આ અર્ધલશ્કરી દળોના જવાનોને એજ વિસ્તારમાં ફરી તૈનાત કરવામાં આવનાર છે જ્યાંથી તેમને દુર કરી દેવામાં આવ્યા હતા.
તમામ લોકો સારી રીતે જાણે છે કે ત્યાંથી ૨૦ કંપનીઓને પરત બોલાવી લેવામાં આવી હતી. પાંચમી ઓગષ્ટના દિવસે કલમ ૩૭૦ને દુર કરવામાં આવ્યા બાદ જમ્મુ કાશ્મીરમાં શાંતિ અને કાયદો તેમજ વ્યવસ્થાની સ્થિતીને જાળવી રાખવા માટે જમ્મુ કાશ્મીરમાં વધારાના જવાનો તૈનાત કરવામાં આવ્યા હતા. કેટલાક પ્રકારના નિયંત્રણો લાગુ કરવામાં આવ્યા હતા. ત્રણ પૂર્વ મુખ્યપ્રધાનો સહિત મોટી સંખ્યામાં લોકોને અટકાયતમાં લેવામાં આવ્યા હતા. પૂર્વ મુખ્યપ્રધાનો હજુ અટકાયતમાં છે. જમ્મુ કાશ્મીરમાં હવે સ્થિતી સામાન્ય બની રહી છે ત્યારે સુરક્ષા જવાનોને પરત બોલાવી લેવામાં આવી રહ્યા છે. કેન્દ્રિય ગૃહ મંત્રાલયની ઉચ્ચસ્તરીય બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે કેન્દ્રિય રિઝર્વ પોલીસ દળની ૨૪ કંપનીઓ, સરહદ સુરક્ષા દળની ૧૨, કેન્દ્રિય ઔદ્યોગિક સુરક્ષા દળની ૧૨, ભારત-તિબેટ સરહદી પોલીસની ૧૨, તેમજ સશસ્ત્ર સરહદ દળની ૧૨ કંપનીઓને નવા જાહેર કરવામાં આવેલા કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ કાશ્મીરમાંથી ખસેડી લેવામાં આવનાર છે.
દરેક કંપનીમાં આશરે ૧૦૦ જવાનો રહે છે. એટલે કે આશરે સાત હજાર જવાનોને પરત બોલાવી લેવામાં આવનાર છે. કેન્દ્રિય ગૃહ પ્રધાન અમિત શાહના નેતૃત્વમાં મળેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.