સુરતમાં આડાસંબંધમાં કૌટુંબિક દિયરે જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. આ મામલે પોલીસે આરોપી ભાભી રામકુમારી યાદવ(ઉ.વ.૩૫)ની ધરપકડ કરી હતી. પોસ્ટ મોર્ટમ રિપોર્ટના આધારે આ કેસમાં હત્યાનો ખુલાસો સામે આવ્યો હતો. સુરતના પાંડેસરા પોલીસે કૌટુંબિક દિયરની હત્યાના ગુનામાં એક મહિલાની ધરપકડ કરી છે. આ અંગેની વિગત એવી છે કે, વડોદ ગામે ગણેશનગર-૨માં રૂમ નંબર-૩માં રહેતા અને કલરકામની મજૂરી કરતા ૧૮ વર્ષીય વિનય યાદવની ૨૧મી તારીખે સવારે રૂમમાંથી લાશ મળી આવી હતી. યુવકના માથાના ભાગે ઈજાઓ હતી. જેના કારણે પોલીસે ફોરેન્સીક પીએમ કરાવ્યું હતું. જેમાં વિનય યાદવની હત્યા થઈ હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે તપાસ શરૂ કરતા માલુમ પડ્યું હતું કે, આ યુવક વિનય એકાદ વર્ષ પહેલા સુરતમાં પાંડેસરા વિસ્તારમાં તેના કુટુંબના ભાઈ શિવપૂજન અને ભાભી રામકુમારી સાથે રહેતો હતો. એ સમયે વિનયને તેની ભાભી જોડે આડાસંબંધો હતા. ત્યાર બાદ વિનય વતન ચાલ્યો ગયો હતો. છેલ્લા ૩ મહિનાથી વિનય વતન પરત આવ્યો હતો અને તેના કુંટુંબના ભાઈના સામેના રૂમમાં અલગ રહેતો હતો. મૃતક વિનય યાદવે અગાઉ તેની ભાભી સાથે વાંધાજનક હાલતમાં સેલ્ફી ફોટો મોબાઇલમાં પાડ્યાં હતાં. આ ફોટો સોશિયલ મીડિયામાં મૂકી દેવાની ધમકી આપી ભાભી સાથે સંબંધ બાંધવા માટે દબાણ કરતો હતો.
બીજી તરફ મહિલાના પતિને પણ આ બાબતે શંકા ગઈ હતી. મહિલાને એવું હતું કે કદાચ આ ફોટા જો તેનો પતિ જોઇ જશે તો તે આત્મહત્યા કરી લેશે. આ કારણે તેણી વિનયને પતાવી દેવાનો પ્લાન ઘડ્યો હતો. ફોટો વાયરલ કરવાની ધમકીથી કંટાળીને રામકુમારી વિનયના રૂમમાં ગઈ હતી, આ સમયે તે દારૂના નશામાં હતો અને ઊંઘી રહ્યો હતો. જે બાદમાં રામકુમારી વિનય ઉપર બેસી ગઈ હતી અને દુપટ્ટો તેના ગળામાં નાખીને તેને ગળેટૂંપો આપી દીધો હતો, જે બાદમાં તેનું માથું દીવાલ સાથે અથડાવીને તેની હત્યા કરી નાખી હતી. આ મામલે પોલીસે પૂછપરછ કરતા રામકુમારીએ કંઈ બન્યું જ ન હોવાનું જણાવ્યું હતું. પોલીસ પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે મૃતક વિનય અને મહિલા એક જ જગ્યાએ નોકરી કરતા હતા. જ્યાં વિનયનું કોન્ટ્રાક્ટર સાથે સેટિંગ હતું. આથી તે દિવસની પાળીમાં નોકરી કરતો હતો અને મહિલાના પતિને રાત પાળીમાં નોકરી આપતો હતો. મહિલાનો પતિ નોકરી પર જાય ત્યારે તે તેના ભાભી પાસે પહોંચી જતો હતો અને તેની સાથે શારીરિક સંબંધ બાંધવા માટે દબાણ કરતો હતો. પોલીસે સમગ્ર મામલામાં આરોપી ભાભી રામકુમારી યાદવની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.