દેશમાં લોકસભા ૨૦૧૯ની ચૂંટણી નજીક આવી રહી છે. આ સ્થિતિ વચ્ચે ભાજપ સામે દેશમાં ત્રીજો મોરચો તૈયાર કરવામાં આવી શકે છે. હાલ આ માટે બિનભાજપી અને બિનકોંગ્રેસી નેતાઓ સક્રિય પણ થઇ ગયા છે. તૃણમુલ કોંગ્રેસના નેતા મમતા બેનરજીએ તેલંગણાના મુખ્ય પ્રધાન ચંદ્રશેખર રાવની સાથે મુલાકાત કરી હતી. જે દરમિયાન ત્રીજો મોરચો રચવા અંગે ચર્ચાઓ થઇ હતી.
મમતા બેનરજી સાથે મુલાકાત બાદ ચંદ્રશેખર રાવે જણાવ્યું હતું કે દેશમાં બદલાવ લાવવાનો સમય આવી ગયો છે. આ મુલાકાતનો મુખ્ય હેતુ દેશમાં ત્રીજો મોરચો રચવાનો છે. આગામી દિવસોમાં ચંદ્રશેખર રાવ અન્ય મોટા પક્ષોની સાથે પણ બેઠક કરી શકે છે. જો ત્રીજો મોર્ચો રચવામાં આવે તો તેનાથી ભાજપની સાથે કોંગ્રેસને પણ નુકસાન થઇ શકે છે.
રાવે જણાવ્યું હતું કે ભાજપ અને કોંગ્રેસની સામે લડત આપવા માટેની આ એક સારી શરૂઆત છે. ૬૩ વર્ષીય મમતા બેનરજીએ જણાવ્યું હતું કે હાલની પરિસ્થિતિ એવી છે કે દેશના લોકો ત્રીજા મોરચાને સત્તા સોપી શકે છે. અને આ માટે દરેક લોકોએ સાથે આવવાની જરુર છે. ઉલ્લેખનીય છે કે અગાઉ પણ પણ દેશમાં એક વખત ત્રીજા મોરચાના વડા પ્રધાન બની ચુક્યા છે, જેને પગલે ત્રીજા મોરચાની શક્યતાઓ પણ નિષ્ણાંતો નકારી નથી રહ્યા.
સૌથી મોટા પક્ષોમાં મમતા બેનરજીનો તૃણમુલ કોંગ્રેસ, આરજેડી, સમાજવાદી પાર્ટી, બસપા, ટીડીપી, આમ આદમી પાર્ટી આ ઉપરાંત ડાબેરી પક્ષો પણ સાથે આવી હાથ મિલાવીને ત્રીજા મોરચાની રચના કરી શકે છે.