શહેરમાં ટ્રિપલ તલાકનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જુહાપુરાની એક પરિણીતાને તેના પતિએ ડેનમાર્કથી તલાક, તલાક, તલાક લખેલો પુત્ર કુરિયર કરી છૂટાછેડા આપતાં ભારે ચકચાર મચી ગઇ છે. પરિણિતાએ આ સમગ્ર મામલે પતિ, સાસુ અને સસરા સામે ફરિયાદ દાખલ કરાવી હતી, જેના આધારે પોલીસે હવે આ ગુનામાં ઝીણવટભરી તપાસ શરૂ કરી છે. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, જુહાપુરામાં રહેતી એક મુસ્લિમ યુવતીએ ફરિયાદમાં કરેલા આક્ષેપ મુજબ તેનો પતિ એન્જિનિયર છે અને ડેનમાર્કમાં ખૂબ સારી કંપનીમાં કામ કરે છે.
યુવતી સાથે તેનાં લગ્ન સમાજના રીતિરીવાજ મુજબ ૨૦૧૬ માં થયાં હતાં. લગ્ન બાદથી જ સાસરિયાં અને પતિ તરફથી અવારનવાર યુવતીને ત્રાસ આપવાનું શરૂ કરી દેવાયું હતું. યુવતીને સાસુ કહેતાં હતાં કે મારો દીકરો ખૂબ ઊંચી પોસ્ટ પર છે અને તારે તો સહન કરવું જ પડશે. યુવતીને પતિ ડેનમાર્ક લઈ ગયેલ ત્યારે પણ તેના પર ખૂબ ત્રાસ ગુજાર્યો હોવાની ફરિયાદ કરી હતી. તે દરમિયાન લગ્નજીવનમાં પરિણીતાએ દીકરીને જન્મ આપ્યો હતો ત્યારે તેના પતિએ હોસ્પિટલ આવીને સાસુ-સસરાની હાજરીમાં કહ્યું હતું કે, તું દીકરી જણવાની છે એવી ખબર હોત તો ત્યારે જ એબોર્શન કરાવી નાખ્યું હોત. જુહાપુરાની આ પરિણીતાએ લગ્ન બાદ દીકરીને જન્મ આપતાં પતિ અને સાસુ-સસરાને ગમ્યું નહી હોવાથી પતિએ ડેનમાર્કથી કુરિયર મારફતે ટ્રિપલ તલાક આપી ઇદ્દતની રકમના ૧૫ લાખ બેન્ક ખાતામાં જમા કરાવી દીધી હોવાની પોલીસ ફરિયાદ નોંધાવી હતી. મહિલા પોલીસે આ મામલે પરિણીતાની ફરિયાદના આધારે પતિ, સાસુ-સસરા સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.