ડુંગળી અને દાળની કિંમતોમાં હવે ટૂંક સમયમાં મોટી રાહત મળનાર છે પરંતુ હવે ખાંડ મોંઘી બનવાના સંકેત દેખાઈ રહ્યા છે. ગ્રાહક બાબતોના મંત્રાલય દ્વારા કહેવામાં આવ્યું છે કે, સરકારની પાસે દાળનો પુરતા પ્રમાણમાં બફર સ્ટોક છે. તે પોતાના બફર સ્ટોકમાંથી આશરે ૮.૫ લાખ મેટ્રિક ટન દાળ ખુલ્લા બજારમાં વેચવાની યોજના ધરાવે છે. આનાથી ચોક્કસરીતે દાળની કિંમતો ઓછી થવાની શક્યતા દેખાઈ રહી છે પરંતુ ખાંડની કિંમતો વધવાના સંકેત દેખાઈ રહ્યા છે. ખાંડના ઉત્પાદનને લઇને આ વર્ષે માર્કેટિંગ વર્ષમાં ૧૫મી ડિસેમ્બર સુધી ૩૫ ટકાનો ઘટાડો થઇ ચુક્યો છે. આની સાથે જ ખાંડનું ઉત્પાદન આ માર્કેટિંગ વર્ષમાં ૪૫.૮ લાખ ટન રહ્યું છે. ખાંડ માટે માર્કેટિંગ વર્ષ ઓક્ટોબરથી સપ્ટેમ્બર સુધી ચાલે છે. છેલ્લા માર્કેટિંગ વર્ષની આ અવધિમાં ખાંડનું ઉત્પાદન ૭૦.૫ લાખ ટન રહ્યું હતું. ઇસ્માએ કહ્યું છે કે, ૧૫મી ડિસેમ્બર ૨૦૧૯ સુધી ૪૦૬ ખાંડ મિલોમાં શેરડીની પ્રક્રિયા ચાલી રહી હતી. શેરડીમાંથી ખાંડનું નિર્માણ કરવામાં આવે છે. ખુલ્લા બજારમાં દાળનું વેચાણ કરવામાં આવ્યા બાદ ચોક્કસપણે તેની કિંમતોમાં ઘટાડો થઇ શકે છે.
જો કે, ખાંડની કિંમતો વધવાના સંકેત દેખાઈ રહ્યા છે. પ્રાઇવેટ મિલોનું પ્રતિનિધિત્વ કરનાર ખાંડ મિલોના ટોચના સંગઠન ઇન્ડિયન સુગર મિલ એસોસિએશને માહિતી આપતા કહ્યું છે કે, ૧૫મી ડિસેમ્બર ૨૦૧૯ સુધી જે આંકડા મળ્યા હતા તે મુજબ ૪૦૬ ખાંડ મિલોમાં શેરડીમાંથી ખાંડ બનાવવાની પ્રક્રિયા ચાલી રહી હતી. ગયા માર્કેટિંગ વર્ષમાં ૧૫મી ડિસેમ્બર સુધી ૪૭૩ મિલોમાં આ પ્રક્રિયા ચાલી રહી હતી. દેશના સૌથી મોટા ખાંડ ઉત્પાદક રાજ્ય ઉત્તરપ્રદેશમાં મિલોએ ૧૫મી ડિસેમ્બર સુધી ૨૧.૨ લાખ ટન ખાડનું ઉત્પાદન કર્યું છે. એક વર્ષ પહેલા સુધી આ ગાળામાં ખાંડનું ઉત્પાદન ૧૮.૯ લાખ ટન હતું. જો કે, મહારાષ્ટ્રના ખાંડ ઉત્પાદનમાં ઝડપથી ઘટાડો થયો છે.
અહીંની ખાંડ મિલો ૧૫મી ડિસેમ્બર ૨૦૧૯ સુધી ૭.૬૬ લાખ ટન ખાંડનું ઉત્પાદન કરી શકી છે. આની સરખામણીમાં ૧૫મી ડિસેમ્બર ૨૦૧૮ સુધી ૨૯ લાખ ટન ખાંડનું ઉત્પાદન થયું હતું. મહારાષ્ટ્ર બીજા સૌથી મોટા ખાંડ ઉત્પાદક રાજ્ય તરીકે છે. ત્રીજા સૌથી મોટા ખાંડ ઉત્પાદક રાજ્ય કર્ણાટકમાં ૧૫મી ડિસેમ્બર ૨૦૧૯ સુધી ઉત્પાદન ઘટીને ૧૦.૬ લાખ ટન રહ્યું હતું. આવી સ્થિતિમાં એકબાજુ ડુંગળી અને દાળની કિંમતોમાં રાહત મળશે.