ઉત્તર ભારતમાં કાતિલ ઠંડી અને ધુમ્મસના કારણે હવે લોકોની હાલત વધુને વધુ ખરાબ બની રહી છે. દિલ્હી-એનસીઆર વિસ્તારોમાં ધુમ્મસના કારણે જનજીવન પર માઠી અસર થઇ છે. એનસીઆરની સાથે સાથે રાજસ્થાન, પંજાબ, જમ્મુ કાશ્મીર અને હરિયાણામાં અલગ અલગ વિસ્તારોમાં ધુમ્મસની ચાદર રહી હતી. કેટલાક રાજ્યોમાં સ્કુલ અને કોલેજામાં રજા જાહેર કરી દેવામાં આવી છે. દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં હજુ વરસાદ પડવાની આગામી કરવામાં આવી છે. સ્કાઇમેટે માહિતી આપતા કહ્યુ છે કે મધ્ય ભારતમાં ઠંડીથી હાલમાં કોઇ રાહત મળનાર નથી. હવામાનમાં આવેલા પલટા વચ્ચે છેલ્લા ઘણા દિવસથી ધુમ્મસની સ્થિતી જાવા મળી રહી છે.
ભારે ધુમ્મસના કારણે અનેક વિસ્તારોમાં વિજિબીલીટીમાં ભારે ઘટાડો થવા પામ્યો છે. આ સાથે જ સતત છવાયેલા ધુમ્મસના પગલે ઉત્તર ભારતમાં શ્રેણીબદ્ધ ટ્રેનો તેના નિર્ધારિત સમયથી મોડી ચાલી રહી છે. દિલ્હી, પંજાબ, હરિયાણા, ચંગીગઢ, પશ્ચિમ ઉત્તરપ્રદેશ અને ઉત્તર રાજસ્થાનમાં કેટલાક ભાગોમાં લઘુત્તમ તાપમાન હજુ ઘટી શકે છે. લોકોને કાતિલ ઠંડીથી હાલ રાહત મળશે નહી.
રાજસ્થાનમાં લોકો તીવ્ર ઠંડીનો અનુભવ કરી રહ્યા છે. મધ્યપ્રદેશ, પંજાબ, હરિયાણા, ઉત્તરપ્રદેશ, રાજસ્થાન સહિતના મેદાની રાજ્યોમાં તીવ્ર ઠંડી પડી રહી છે. કાશ્મીરમા અવિરત ભારે હિમવર્ષાના કારણે સતત વિમાની સેવાને અસર થઇ રહી છે. જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના ઉંચાણવાળા વિસ્તારોમાં હિમવર્ષા જારી રહી છે. ઉંચાણવાળા વિસ્તારોમાં હિમવર્ષાના કારણે તાપમાનમાં ઘટાડો થવાની સાથે સાથે લોકો મુશ્કેલી અનુભવી રહ્યા છે. ધુમ્મસ અને કાતિલ ઠંડીના કારણે વિમાની સેવા અને ટ્રેન સેવાને માઠી અસર થઇ છે.