નેશનલ કંપની લો અપ્લેટ ટ્રીબ્યુનલે સાયરસ મિસ્ત્રી ને તાતા સન્સના કારોબારી ચેરમેનના હોદ્દા પર ફરી સત્તારુઢ કરવા માટેનો આદેશ જારી કર્યો છે. નેશનલ કંપની લો એપ્લેટ ટ્રીબ્યુનલે કહ્યું છે કે, મિસ્ત્રીને ફરીથી તાતા સન્સના કારોબારી ચેરમેન બનાવવાની જરૂર છે. આ હોદ્દા પર એન ચંદ્રશેખરની નિમણૂંકને ગેરકાયદે ગણાવવામાં આવી છે. ટ્રીબ્યુનલે કહ્યું છે કે, ફરી નિમણૂંક કરવાના આદેશને ચાર સપ્તાહ બાદ અમલી કરવામાં આવશે. તાતા સન્સને અપીલ કરવા માટે સમય આપવામાં આવ્યો છે. એનસીએલએટીના બે સભ્યોની બેંચે આ મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો હતો. એનસીએલએટીના આ અરજી મિસ્ત્રી અને તેમની બે ઇન્વેસ્ટમેન્ટ કંપની તરફથી દાખલ કરવામાં આવી હતી. જુલાઈ મહિનામાં એપ્લેટે આ ચુકાદો અનામત રાખ્યો હતો. સાયરસ મિસ્ત્રી તાતા સન્સના છઠ્ઠા ચેરમેન હતા અને તેમને આ પદ પરથી ઓક્ટોબર ૨૦૧૬માં દૂર કરી દેવામાં આવ્યા હતા.
રતન તાતા બાદ વર્ષ ૨૦૧૨માં સાયરસ મિસ્ત્રીને ચેરમેન તરીકેની જવાબદારી સોંપવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, તાતા સન્સના નિર્દેશક મંડળે ૨૪મી ઓક્ટોબર ૨૦૧૬ના દિવસે એક હેરાન કરનાર પગલું લઇને સાયરસ મિસ્ત્રીને ચેરમેનના પદથી દૂર કરી દીધા હતા. ડિસેમ્બર ૨૦૧૨માં સાયરસ મિસ્ત્રી તાતા સન્સના ચેરમેન બન્યા હતા.
ગ્રુપના ૧૫૦ વર્ષના ઇતિહાસમાં મિસ્ત્રી કંપનીના ચેરમેન બનનાર તાતા પરિવારના બહારના પ્રથમ વ્યક્તિ તરીકે હતા. તેમના પહેલા ૧૯૩૪-૧૯૩૮ના ગાળા દરમિયાન તાતા ગ્રુપમાં બહારથી નવરોજી ગ્રુપના ચેરમેન બન્યા હતા. એનસીએલએટીના ચુકાદાના કારણે કોર્પોરેટ જગતમાં આની ભારે ચર્ચા જોવા મળી હતી. આ ચુકાદાની શેરબજારમાં સીધી અસર જોવા મળી હતી. ખેંચતાણ વધવાના સંકેત દેખાઈ રહ્યા છે.