ગુજરાતમાં હજી ઉનાળો પસાર કરવાનો બાકી છે અને પીવાના પાણીની તંગીની સમસ્યા વિકરાળ બની શકે છે. ગુજરાત સરકારના નર્મદા અને જળસંપત્તિ તથા કલ્પસર વિભાગના ૧૬મી માર્ચના અધિકૃત આંકડા પરથી આ વિગત મુજબ ગુજરાતના ૨૦૩ જળાશયોમાં (ડેમમાં) ૩૮.૫૭ ટકા જ પાણી બચ્યું છે.
બીજી તરફ નર્મદા ડેમમાં હવે ૩૨.૭૩ ટકા જ પાણી બચ્યું છે. આંકડાઓને વિગતે જોઇએ તો ઉત્તર ગુજરાતના ૧૫ જળાશયોમાં (ડેમ) ૩૭.૧૯ ટકા, મધ્ય ગુજરાતના ૧૭ ડેમમાં ૫૫.૫૩ ટકા, દક્ષિણ ગુજરાતના ૧૩ ડેમમાં ૩૮.૮૯, કચ્છ વિસ્તારના ૨૦ જળાશયોમાં માત્ર ૧૪.૮૩ ટકા, સૌરાષ્ટ્રના ૧૩૮ ડેમમાં ૨૫.૯૩ ટકા પાણીનો જ જથ્થો બચ્યો છે.
આ રીતે જોઇએ તો રાજ્યના ૨૦૩ ડેમ કે જેની ડિઝાઈન ૧૫૭૬૬.૮૧ લાખ ઘન મીટર જળસંગ્રહની છે તેમાંથી ૬૦૮૧.૯૨ લાખ ઘનમીટર જથ્થો જ સંગ્રહિત છે. ગયા સપ્તાહમાં આ જળસંગ્રહ ૬૨૪૩.૮૦ લાખ ઘનમીટર હતો. તે જોતાં એક જ સપ્તાહમાં ૧૬૧.૮૮ લાખ ઘનમીટર પાણીનો જથ્થો ખર્ચાઈ ચૂક્યો છે. નર્મદા ડેમની વાત કરીએ તો ૯૪૬૦ લાખ ઘનમીટરની ક્ષમતા સામે ૩૦૯૬ લાખ ઘનમીટર જળસંગ્રહ અસ્તિત્વ ધરાવે છે.