ગુજરાતની સૌથી મોટી અને જર્જરિત થઈ ગયેલી ૫૫ વર્ષ જૂની અખંડાનંદ સરકારી આયુર્વેદ હોસ્પિટલનું નવીનીકરણ કરવામાં આવશે. નાયબ મુખ્યમંત્રીએ અખંડાનંદ કોલેજ અને મણિબહેન હોસ્પિટલની મુલાકાત લીધા બાદ હોસ્પિટલનું નવીનીકરણ કરવાની જાહેરાત કરી હતી.
અમદાવાદમાં એક સમયે અખંડાનંદ સરકારી આર્યુવેદ હોસ્પિટલની બોલબાલા અને જમાનો હતો, અખંડાનંદની એટલી લોકપ્રિયતા હતી કે, તે વિદેશ સુધી ફેલાયેલી હતી. સરકારી અખંડાનંદ આયુર્વેદ હોસ્પિટલના દર્દીઓ અને સરકારી અખંડાનંદ આયુર્વેદ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓની રજૂઆતના પગલે નાયબ મુખ્યમંત્રી સ્થળ નિરીક્ષણ માટે પહોંચ્યા હતા. નાયબ મુખ્યમંત્રીએ આયુર્વેદ હોસ્પિટલના પંચકર્મ, ઓ.પી.ડી., થેલેસેમિયા ક્લિનિક જેવા વિવિધ વિભાગોનું નિરીક્ષણ કર્યું હતું. ઉલ્લેખનીય છે કે, આ વિસ્તારમાં સાંસ્કૃતિક વારસો ધરાવતી મહત્વપૂર્ણ ઈમારત હોવાથી આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઈન્ડિયાનો પણ અભિપ્રાય લેવામાં આવી રહ્યો છે.
આ ઉપરાંત નાયબ મુખ્યમંત્રીએ અખંડાનંદ કોલેજ-હોસ્પિટલ બાદ મણિબહેન આયુર્વેદ હોસ્પિટલની પણ મુલાકાત લઈ દર્દીઓને મળતી સારવાર અને સુવિધાઓ અંગે દર્દીઓ સાથે સંવાદ કરી દર્દીઓને પડતી મુશ્કેલીઓને જાણી આ બાબતે શું કરી શકાય તે વિશે ચર્ચા કરી આરોગ્ય વિભાગ તરફથી જરૂરી સગવડો પુરી પાડવાની ખાતરી આપી હતી.
ગુજરાતની સૌથી મોટી અને આયુર્વેદની લોકપ્રિયતા વિશ્વભરમાં પ્રસરાવનાર અંખડાનંદ સરકારી આયુર્વેદ હોસ્પિટલના રિનોવેશન અને નવીનીકરણની જાહેરાતને પગલે ગુજરાત આર્યુવેદ સમુદાય અને વિદ્યાર્થીઓમાં ભારે ખુશીની લાગણી પ્રસરી ગઇ છે. ખાસ કરીને આયુર્વેદ સાથે જોડાયેલા અને તેના સમર્થકોમાં ભારે રાહતની લાગણી જોવા મળી રહી છે.