બિહારના મુજફ્ફરપુરમાં સાતમી ડિસેમ્બરના દિવસે રેપના પ્રયાસમાં નિષ્ફળ રહ્યા બાદ સળગાવી દેવામાં આવેલી યુવતિનુ આજે સવારે મોત થતા તંગદીલી વધી ગઇ હતી. પાટનગર પટણાના અપોલો હોસ્પિટલમાં ભરતી કરવામાં આવેલી યુવતિનુ સારવાર દરમિયાન મોત થતા પરિવારમાં આઘાતનુ મોજુ ફરી વળ્યુ છે. હોસ્પિટલ માં દાખલ કરવામાં આવેલી યુવતિ રેપના પ્રયાસ વેળા સળગાવી દેવામાં આવ્યા બાદ ૮૦ ટકા સુધી દાજી ગઇ હતી. પીડિતાએ તેના છેલ્લા નિવેદનમાં ગુનેગારોને કઠોર સજા કરવાની માંગ કરી હતી.
પીડિતાએ કહ્યુ હતુ કે તેને ન્યાય જોઇએ. બીજી બાજુ પુત્રીના મોતથી દુખી પિતાએ કહ્યુ હતુ કે તેમને ન્યાય જોઇએ છીએ. ઘટનાની વિગત એ છે કે મુજ્જફરપુરના અહિયાપુર પોલીસ સ્ટેશન ક્ષેત્રમાં રેપ ગુજારવામાં નિષ્ફળ રહ્યા બાદ યુવકે યુવતિને જીવતિ સળગાવી દીધી હતી. પોલીસ આરોપી યુવકને પકડી ચુકી છે.
પોલીસના કહેવા મુજબ ગામનો યુવાન ગામની જ પડોશમાં રહેનાર યુવતિના ઘરમાં ઘુસી ગયો હતો. તે યુવતિ પર રેપ ગુજારવામાં નિષ્ફળ રહેતા તે શખ્સે યુવતિ પર કેરોસીન છાંટીને સળગાવી દેવાના પ્રયાસ કર્યા હતા. આ બનાવમાં તે ૮૦ ટકા સુધી દાજી ગઇ હતી. તબીબો પણ તેને બચાવી લેવા માટે તમામ પ્રયાસ કરી રહ્યા હતા. પીડિતાની માતાનો આરોપ છે કે આરોપી રાજા નામનો શખ્સ છેલ્લા ત્રણ વર્ષથી તેની પુત્રીને હેરાન કરી રહ્યો હતો. આની સુચના પોલીસને પણ આપવામાં આવી હતી. જો કે પોલીસે કોઇ કાર્યવાહી કરી ન હતી.