જૂની વીએસ હોસ્પિટલ તોડવા મામલે હાઈકોર્ટે વચગાળાનો સ્ટે આપ્યો છે. ચેરિટી કમિશનરના આદેશ સામે કોંગ્રેસ દ્વારા અરજી કરવામાં આવી હતી. જેના પર આજે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી યોજાઈ હતી. જેમાં કોર્ટે જૂની વીએસને તોડવા સામે વચગાળાનો સ્ટે જારી કર્યો હતો. હવે આ સમગ્ર કેસની વધુ સુનાવણી તા.૨૦ ડિસેમ્બરના રોજ મુકરર કરવામાં આવી છે. કોંગ્રેસ તરફથી કરાયેલી રિટ અરજીની સુનાવણી દરમ્યાન અરજદારપક્ષ તરફથી એવી રજૂઆત કરવામાં આવી હતી કે, મહાત્મા ગાંધીના આશીર્વાદ અને સરદાર વલ્લભભાઈ પટેલના પ્રયાસોથી તા.૧૩મી ડિસેમ્બર, ૧૯૩૧માં વી.એસ હોસ્પિટલ શરૂ થઈ હતી. સરદાર વલ્લભભાઈ પટેલના વરદ હસ્તે ૧૨૦ બેડની વી.એસ.હોસ્પિટલ અને ચીનોઈ પ્રસુતિ ગૃહનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
આ હોસ્પિટલ ૯૦ વર્ષથી શહેરની મધ્યમ અને ગરીબ વર્ગના દર્દીઓની વિનામૂલ્યે સારવાર થતી હતી, પણ છેલ્લા ૧૦ મહિનાથી ભાજપના શાસકો દ્વારા વી.એસ હોસ્પિટલને બંધ કરવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે. જેનો ગરીબ અને જરૂરિયાતમંદ દર્દીઓ અને તેમના સગાવ્હાલા દ્વારા સતત વિરોધ થઇ રહ્યો છે. કોંગ્રેસ દ્વારા પણ જૂની વીએસ બંધ કરવા સામે સખત વિરોધ નોંધાવાયો છે કારણ કે, તેનાથી ગરીબ અને જરૂરિયાતમંદ દર્દીઓને વિનામૂલ્યે આરોગ્યવિષયક સેવા મળતી બંધ થશે અને તેઓ ભયંકર હાલાકીનો ભોગ બનશે. ગરીબ દર્દીઓ અને તેમના સગાવ્હાલા પૈસા ખર્ચી પ્રાઇવેટ હોસ્પિટલ કે ડોકટરો પાસે જવા મજબૂર બનશે.
આ સંજોગોમાં જૂની વીએસ હોસ્પિટલને બંધ કરવાના કે તોડવાના અમ્યુકો સત્તાવાળાઓના નિર્ણયને હાઇકોર્ટે દરમ્યાનગીરી અટકાવવું જોઇએ અને ગરીબ અને જરૂરિયાતમંદ દર્દીઓને યોગ્ય રાહત આપવી જોઇએ.
દરમ્યાન અમ્યુકો વિપક્ષ કોંગ્રેસના નેતા દિનેશ શર્માએ જૂની વીએસ તોડવાના અમ્યુકો સત્તાવાળાઓના નિર્ણય સામે સખત વિરોધ વ્યકત કરતાં જણાવ્યું હતું કે, ભાજપના શાસકો તેમના આર્થિક ફાયદા અને સ્વાર્થ માટે ગરીબ અને જરૂરિયાતમંદ દર્દીઓની સેવા-સારવાર છીનવવાનું પાપ કરી રહ્યા છે. તેમણે જૂની હોસ્પિટલમાં ડોક્ટર ન હોવાના આક્ષેપ સાથે જણાવ્યું હતું કે, પેરા મેડિકલ સ્ટાફ માત્ર નામનો છે. કોઈ દર્દી આવે તો તેને દાખલ કરવામાં આવતો નથી. માત્ર નામ પૂરતા દર્દી દાખલ છે તેવો દેખાડો કરી પ્રજાને ગેરમાર્ગે દોરવામાં આવી રહી છે. ત્યારે ચૂપચાપ વી.એસ હોસ્પિટલ બંધ કરી દેવાઈ છે. બેડ ખસેડી લેવાયાં છે. તબક્કાવાર જૂના બિલ્ડીંગને તોડવાનું કામ ચાલુ છે. આમ, ભાજપના શાસકો ૫૦૦ બેડ કાર્યરત રાખવાની વાત કરતા હતા પણ ૫૦ બેડ પણ કાર્યરત નથી.