ઈવીએમની પ્રમાણભૂતતા પર અવારનવાર અનેકાનેક પ્રશ્નો ઉભા થતાં રહે છે. ત્યારે રવિવારે તારીખ ૧૮૦.૩.૨૦૧૮ના રોજ કોંગ્રેસે પોતાના ૮૪માં અધિવેશનમાં ઇવીએમ વિરુદ્ધ એક ઠરાવ પસાર કર્યો હતો અને સાથે ચૂંટણી પંચ સમક્ષ પણ માગણી મૂકી હતી કે ઇવીએમની જગ્યાએ બેલેટ પેપર દ્વારા જ ચૂંટણી યોજવામાં આવે. આ સ્થિતિ વચ્ચે હવે ભાજપે પણ સ્પષ્ટતા કરી છે કે આગામી દિવસોમાં ઇવીએમની જગ્યાએ બેલેટ પેપર દ્વારા જ બધી ચૂંટણી યોજાય તે અંગે અમે વિચારણા કરીશું.
ભાજપના જનરલ સેક્રેટરી રામ માધવે જણાવ્યું હતું કે જો અન્ય પક્ષો પણ ઇચ્છતા હોય કે ઇવીએમની જગ્યાએ બેલેટ પેપરથી જ ચૂંટણી યોજવામાં આવે તો અમે આ અંગે પણ ફેર વિચારણા કરીશું. રામ માધવે સાથે એમ પણ જણાવ્યું હતું કે બેલેટ પેપરની જગ્યાએ ઇવીએમથી ચૂંટણી યોજવાનો નિર્ણય પણ જે તે સમયે દરેક પક્ષની સહમતિથી જ લેવામાં આવ્યો હતો. હવે જો આ જ દરેક પક્ષોને એમ લાગી રહ્યું હોય કે ઇવીએમ કરતા બેલેટ પેપર જ યોગ્ય હતું તો પછી તે અંગે અમો પણ વિચારીશું. અનેક પક્ષો આરોપ લગાવી રહ્યા છે કે ઇવીએમમાં અનેક ટેક્નીકલ ખામીઓ સર્જાય છે. તેને હેક પણ કરી શકાય છે તેમ જ ચૂંટણી જીતવા માટે ઇવીએમ સાથે ચેડા પણ થાય છે.
વિપક્ષો આરોપ લગાવી રહ્યા છે કે ભાજપ જ ઇવીએમ સાથે ચેડા કરીને મોટા ભાગના રાજ્યોમાં ચૂંટણી જીતી રહ્યું છે અને જાણી જોઇને જે એક બે નાની ચૂંટણીઓ હારી જાય છે કે જેથી ઇવીએમ પર લોકોને શંકા ન જાય. આ શંકાઓનું સમાધાન થાય એ હેતુથી અમે બેલેટ પેપરથી ચૂંટણી યોજાય એ અંગે ગંભીર રીતે વિચારીશું.