રાષ્ટ્રીય ઊર્જા સંરક્ષણ દિવસે દેશની રાજધાની દિલ્હીમાં ઊર્જા મંત્રાલય દ્વારા ‘નેશનલ એનર્જી કન્સર્વેશન્સ એવોર્ડ’નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સુરત,ગુજરાતના ના ઈકોપ્રેન્યોર વિરલ દેસાઈને ટેક્સટાઈલમાં દેશભરમાં પ્રથમ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. જોગાનુજોગ એ છે કે વિરલ દેસાઈ સધર્ન ગુજરાત ચેમ્બર ઑફ કોમર્સ (SGCCI)ની એનર્જી અને રિન્યુએબલ એનર્જી કમિટીના ચેરમેન પણ છે.
BEE દ્વારા આયોજીત આ કાર્યક્રમમાં ઊર્જા મંત્રી આર કે સિંગ વિશેષરૂપે હાજર રહ્યા હતા અને ઊર્જા સંરક્ષણ માટે કાર્યરત વિવિધ કંપનીઓ અને બિઝનેસમેન્સને બિરદાવ્યા હતા. વિરલ દેસાઈ અને તેમની કંપની ઝેનિટેક્સને ચાર વાર ઊર્જા મંત્રાલય દ્વારા આ રાષ્ટ્રીય એવોર્ડ એનાયત થયો છે, જેમાં ત્રણ વાર તેઓ દેશભરમાં પ્રથમ સ્થાને રહ્યા છે. તો આ સિવાય પણ તેમને એક રાષ્ટ્રીય પુરસ્કાર એનાયત થયો છે.
આ સંદર્ભે તેમણે કહ્યું હતું કે, ‘ઊર્જાની બચત એ આપણા સૌની નૈતિક ફરજ છે અને જો આપણે આપણા ભારત દેશને ખરા દિલથી ચાહતા હોઈશું તો આપણે સૌએ પોતપોતાના સ્તરે ઊર્જાની બચત કરવી જ રહી. હું માત્ર મારા ઘરમાં જ નહીં, પરંતુ મારી કંપની ઝેનિટેક્સમાં પણ દરેક પગલું ઊર્જા સંરક્ષણને કેન્દ્રમાં રાખીને જ ભરું છું. ભારત સરકારે સમયાંતરે મારા આ કામની કદર કરી છે. એ બાબતે હું ભારત સરકાર અને વડાપ્રધાન મોદીનો આભારી છું.’
તો ઊર્જા મંત્રી આર. કે. સિંગે કહ્યું હતું કે, ‘એનર્જી સેવિંગ એ માત્ર પૈસાની બચત નથી, પરંતુ પર્યાવરણની પણ બચત છે. અને પર્યાવરણને બચાવવું એ આજના સમયની સૌથી પહેલી માગ છે.’
ઊલ્લેખનીય છે કે ઊર્જા મંત્રાલય અને BEE દ્રારા એનાયત થતા આ નેશનલ એવોર્ડમાં જુદી જુદી કેટેગરીમાં સો ગુણમાંથી ગુણ આપવામાં આવે છે. એ બધીય કેટેગરીમાં ઝેનિટેક્સના સૌથી વધુ ગુણ આવ્યા છે, જે સ્પર્ધામાં દેશભરના નામી ઉદ્યોગ જુથોએ પણ ભાગ લીધો હતો.
ગુજરાત માટે આ ગર્વની વાત છે કે એક SME હોવા છતાં ઝેનિટેક્સ દેશભરમાં પ્રથમ ક્રમે આવી છે અને ચોથી વાર આ રાષ્ટ્રીય એવોર્ડ ગુજરાતને નામે કર્યો છે. સુરત યુનિટની ટેક્સટાઈલ ઈન્ડસ્ટ્રી માટે આ અત્યંત ગર્વની વાત છે.