તાજેતરમાં ઉત્તર પ્રદેશમાં ભાજપને મળેલી કારમી હાર ઓછી ના હોય તેમ આજે ભાજપને એક બીજો મોટો ફટકો પડયો હતો. એક તરફ નાયબ મુખ્ય મંત્રી સ્વામી પ્રસાદ મૌર્ય પોતાની બેઠક તો બચાવી ના શક્યા, ઉલ્ટાનું આજે તેમના જ પરિવારના એક સભ્ય સમાજવાદી પાર્ટીમાં જોડાવવાનું નક્કી કરી લીધું. મૌર્યના જમાઇ ડોકટર નવલ કિશોર આજે વિધિવત અખિલેશ યાદવની હાજરીમાં સપામાં જોડાયા હતા. એક પત્રકાર પરિષદમાં અખિલેશે કહ્યું હતું કે યોગી સરકારની ‘વરસી’ નિમિત્તે યુપીના લોકોની ડોકટર નવલ કિશોર રૂપે રિટર્ન ગિફ્ટ છે.
નવલ કિશોર ઉપરાંત બસપાના પૂર્વ વિધાયક ઇર્શાદ ખાન અને પૂર્વ એમએલસી પ્રદીપ સિંહે પણ સમાજવાદી પાર્ટીનો ખેસ પહેર્યો હતો. પક્ષમાં આવનાર ત્રણેયનું ગૌતમ બુદ્ધની પ્રતિમા આપીને સ્વાગત કરતાં અખિલેશ યાદવે કહ્યું હતું કે હજુ તો શરૂઆત છે. કેટલાક એવા નેતાઓ પણ છે જે ટુંક સમયમાં સપામાં જોડાશે. એ સિવાય પણ રાજકીય ચિત્ર બદલાતાં અન્ય કેટલાક લોકો પણ સપામાં જોડાયા હતા.
ભાજપના પૂર્વ વિધાયક શંભુ ચૌધરી અને નંદ કિશોર મિશ્ર, બસપાના પૂર્વ વિધાયક તાહિર હુસેન સિદ્દિકી અને બસપા જિલ્લા અધ્યક્ષ તેહસીન સિદ્દીકી પણ જાન્યુઆરીમાં સપામાં જોડાયા હતા. સૌથી મહત્ત્વનું તો એ છે કે સ્વામી પ્રસાદના ભત્રીજા પ્રમોદ મૌર્યે પણ સપામાં જોડાવાવ નિર્ણય કર્યો હતો. તેમણે કહ્યું હતું કે ભાજપ પછાત વર્ગની વિરુદ્ધના મતની પાર્ટી છે અને અત્યાર સુધી ભાજપાએ પછાત વર્ગનું શોષણ જ કર્યું છે.