નાગરિક સુધારા બિલ પર રાજ્યસભામાં જોરદાર રાજકીય સંગ્રામ થાય તે પહેલા જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે કોંગ્રેસ સહિતના વિરોધ પક્ષો પર તેજાબી પ્રહારો કર્યા હતા. ભાજપની આજે સવારે સંસદીય દળની મહત્વપૂર્ણ બેઠક થઇ હતી. જેમાં રાજ્યસભામાં આ બિલને પસાર કરવાની રણનિતી પર ચર્ચા કરવામાં આવી હતી. આ ગાળા દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નાગરિક સુધારા બિલનો વિરોધ કરી રહેલા સાંસદો પર તેજાબી પ્રહારો કર્યા હતા. તેમણે કેટલાક વિપક્ષી સાંસદો પર પાકિસ્તાની ભાષા બોલવાનો આરોપ કર્યો હતો. મોદીએ નાગરિક સુધારા બિલને દેશહિતમાં ગણાવીને કહ્યુ હતુ કે આના કારણે લાખો શરણાર્થીઓની લાઇફ બદલાઇ જશે.
વડાપ્રધાન મોદીએ બિલને લઇને નિર્દેશ આપ્યો હતો કે આ બિલની તરફેણ કરવામાં આવે તે જરૂરી છે. ભાજપના સાંસદોને મોદીએ નિર્દેશ કર્યો હતો કે બિલ પૂર્ણ રીતે દેશના હિતમાં છે. આના કારણે પડોશી દેશોમાં પિડિત લોકોને ન્યાય મળશે. આ એક ઐતિહાસિક કાનુન તરીકે સાબિત થનાર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તમામને રાજ્યસભામાં ઉપસ્થિત રહેવા માટે કહ્યુ હતુ.
તમામ લોકો જાણે છે કે રાજ્યસભામાં આ બિલને પાસ કરવા માટે ૧૨૧ સભ્યોના ટેકાની જરૂર છે. ભાજપ સામાન્ય રીતે બહુમતિનો આંકડો મેળવી લેશે પરંતુ થોડીક હેરાફેરી ભાજપની રમતને બગાડી શકે છે. ભાજપ તરફથી તમામ સાંસદો માટે આદેશ જારી કરી દેવામાં આવ્યો છે. તમામ સાંસદો તૈયાર પણ છે. રાજ્યસભામાં નાગરિક સુધારા બિલ રજૂ કરવામાં આવ્યા બાદ ચર્ચા શરૂ થઇ હતી. કોંગ્રેસ પાર્ટીએ કહ્યુ છે કે બિલ દેશના હિતમાં નથી. કેન્દ્રિય ગૃહ પ્રઘાન અમિત શાહે બિલ ગૃહમાં રજૂ કર્યુ હતુ. કોંગ્રેસ તરફથી આનંદ શર્માએ તેમના અભિપ્રાય રજૂ કર્યા હતા. નાગરિક સુધારા બિલ ઉપર સંસદની મંજુરીની ખાતરી કરવા માટે સરકાર સંપૂર્ણ સજ્જ દેખાઈ રહી છે.
સોમવારે મોડી રાત્રે લોકસભામાં આ બિલ ૮૦ની સરખામણીમાં ૩૧૧ મતથી પાસ થઇ ગયું હતું. રાજ્યસભામાં શાસક એનડીએ પાસે બહુમતિ નથી પરંતુ કેટલીક પાર્ટીઓ તેને સમર્થન કરી શકે છે. કેટલાક બિન એનડીએ પક્ષો લોકસભામાં પણ મતદાન દરમિયાન બિલની તરફેણમાં મતદાન કરી ચુક્યા છે. લોકસભામાં બહુમતિ હોવાના કારણે સરકાર ૮૦ની સરખામણીમાં ૩૧૧ મતથી બિલને પાસ કરાવી લેવામાં સફળ રહ્યું હતું પરંતુ સંસદના ઉપરી ગૃહમાં ગણતરી અન્ય દેખાઈ રહી છે. સરકાર રાજ્યસભામાં લઘુમતિ છે. આવી સ્થિતિમાં નંબર ગેમ ખુબ ઉપયોગી રહી શકે છે. ભાજપને આશા છે કે, સરકાર જે રીતે ત્રિપલ તલાક બિલ અને કલમ ૩૭૦ને નિષ્ક્રિય કરવામાં સફળ રહી હતી તે રીતે રાજ્યસભામાં પણ નાગરિક સુધારા બિલને પાસ કરાવી લેશે. રાજ્યસભાની ગણતરીની વાત કરવામાં આવે તો એનડીએના સૌથી મોટા પક્ષ ભાજપ પાસે રાજ્યસભામાં ૮૩ સાંસદ છે જ્યારે જનતા દળ યુનાઇટેડ પાસે ૬ સાંસદ છે. બિહારમાં સત્તામાં રહેલી જેડીયુ પાર્ટીએ લોકસભામાં નાગરિક સુધારા બિલનું સમર્થન કર્યું હતું.
આ ઉપરાંત એનડીએમાં સામેલ શિરોમણી અકાળી દળના ત્રણ, આરપીઆઈના એક અને અન્ય પક્ષોના ૧૩ સભ્યો છે. હાલમાં એનડીએ ગઠબંધનની પાસે ૧૦૬ રાજ્યસભા સાંસદ છે. જેડીયુ દ્વારા લોકસભામાં બિલનું સમર્થન કરવામાં આવ્યું હતું પરંતુ આને લઇને પાર્ટીમાં બે સુર દેખાઈ રહ્યા છે. જેડીયુ નેતા પ્રશાંત કિશોર આની વિરુદ્ધમાં દેખાઈ રહ્યા છે. બહુમતિની વાત કરવામાં આવે તો બહુમતિ માટે ૨૪૫ કુલ સીટ ક્ષમતા સામે ૧૨૧ની રહેલી છે. જ્યારે એનડીએની પાસે ૧૦૬ સભ્યો છે.