તિહાર જેલમાં હવા ખાઇ રહેલા નિર્ભયા ગેંગ રેપના ચાર અપરાધીઓને ફાંસી પર લટકાવવા મામલે હજુ સુધી તિહાર જેલ વહીવટીતંત્ર પાસે કોઇ પત્ર પહોંચ્યો નથી પરંતુ તે પહેલા જ જેલ વહીવટીતંત્ર દ્વારા તૈયારીની સમીક્ષા કરવામાં આવી રહી છે. જો આ ચારેય અપરાધીઓને ફાંસી આપવામાં આવે છે તો તેમાંથી મહત્તમ વજન ધરાવનાર કેદીના વજનની દ્રષ્ટિએ એક ડમીને ફાંસીઆપીને જોવાની પ્રક્રિયા પણ પૂર્ણ થઇ ચુકી છે. ડમીમાં ૧૦૦ કિલો માટી ભરવામાં આવી હતી. ડમીને એક કલાક સુધી ફાંસી પર લટકાવીને રાખવામાં આવ્યા બાદ જરૂરી ટેસ્ટ કરવામા આવ્યા હતા. તેની પાછળનો હેતુ એ છે કે જો દોષિતને ફાંસી આપવામાં આવે છે તો ફાંસી આપનાર રસી તુટી જવાની સ્થિતિમાં તો નથી. કારણ કે નવમી ફેબ્રુઆરી ૨૦૧૩ના દિવસે જ્યારે સંસદ પર હુમલાના અપરાધી અને ત્રાસવાદી અફઝલ ગુરુને ફાંસી આપવામાં આવી હતી ત્યારે પણ આવી પ્રક્રિયા યોજવામાં આવી હતી. તેના વજનની ડમીને ફાંસી આપીને ચકાસણી એ વખતે પણ કરવામાં આવી હતી. એ વખતે રસ્સી તુટી ગઇ હતી. આ વખતે મામલો ચાર કેદીઓનો છે. જેથી જેલ વહીવટીતંત્ર દ્વારા કોઇ તક લેવામાં આવનાર નથી.
તિહાર જેલના એક વરિષ્ઠ અધિકારીએ માહિતી આપતા કહ્યુ છે કે ફાંસી આપવા માટે તમામ રસ્સી બક્સરથી જ મંગાવવામાં આવી રહી છે. અમારી પાસે હજુ પાંચ રસ્સી રહેલી છે. અમે બક્સર તંત્રના સંપર્કમાં છીએ. ત્યાંથી ફાંસી આપનાર સ્પેશિયલ ૧૧ રસ્સી મંગાવવામાં આવી રહી છે. તેમને ટુંક સમયમા જ મંગાવી લેવામાં આવનાર છે. કારણ કે જો આ ચારેયને ફાંસી આપવામાં આવે છે તો તિહાર જેલમાં જે પાંચ રસ્સી છે તે ઓછી પડશે. આમાંથી એક બે રસ્સીના ટ્રાયલ પણ કરવામાં આવનાર છે. અધિકારીઓના કહેવા મુજબ સામાન્ય રીતે તો જલ્લાદની કોઇ જરૂર નથી. છતાં જરૂર પડશે તો મહારાષ્ટ્ર અને યુપી તેમજ બંગાળથી જલ્લાદને મંગાવવામાં આવનાર છે. તેના માટે તપાસ કરવામાં આવી ચુકી છે. નિર્ભયાના ચાર દોષિતો પૈકી એક પવનને મંડોળીની જેલ નંબર ૧૪માંથી હવે તિહાર જેલ નંબર ૨માં શિફ્ટ કરી દેવામાં આવ્યો છે.
આ જ જેલમાં નિર્ભયાના ચાર દોષિતો પૈકી બે અક્ષય અને મુકેશને પણ રાખવામાં આવ્યા છે. જ્યારે વિનય શર્મા જેલ નંબર ચારમાં છે. હાલમા તિહાર જેલમાં ચારે બાજુ નિર્ભયા દોષિતોને ફાંસી પર લટકાવી દેવાની ચર્ચા ચાલી રહી છે. જ્યારે પવનને મંડોળીની જેલમાંથી શિફ્ટ કરવામાં આવ્યો ત્યારે તેને પણ એક વખતે તો લાગ્યુ હતુ કે આ તેની છેલ્લી રાત્રી છે. જેલ વહીવટીતંત્રનુ કહેવુ છે કે રોહિણી, મંડોળી અને તિહાર માંથી તિહારની જેલ નંબર ત્રણમાં જ ફાંસી માટે તખ્તો છે. ત્યાં હવે સાફ શફાઇ કરવામાં આવી રહી છે. હાલમાં નિર્ભયા મામલાની ચર્ચા વધારે તીવ્ર બનેલી છે.