જીએસટીને અમલી કર્યાને અઢી વર્ષનો ગાળો પૂર્ણ થઇ રહ્યો છે. બીજી બાજુ હવે જીએસટી કાઉન્સિલે ટેક્સ માળખાથી લઇને ટેક્સ રેટ સુધી કેટલાક ફેરફારો પહેલાથી જ કર્યા છે. હવે કેટલાક મોટા ફેરફારો કરવામાં આવે તેવી શક્યતા છે. તેના લોંચ બાદથી અઢી વર્ષ બાદ જીએસટી કાઉન્સિલ તેના માળખામાં ધરખમ ફેરફારની તૈયારીમાં છે. આનાભાગરુપે પાંચ ટકાના વર્તમાન બેઝ ટેક્સ સ્લેબને વધારીને ૯થી ૧૦ ટકા સુધી કરવા ઉપર જીએસટી કાઉન્સિલની વિચારણા ચાલી રહી છે. ટેક્સ રેવેન્યુને વધારવાના પ્રયાસમાં જીએસટી કાઉન્સિલ લાગેલી છે.
આના ભાગરુપે ૧૨ ટકાના ટેક્સ સ્લેબ ખતમ કરીને તેની હદમાં આવનાર તમામ ૨૪૩ પ્રોડક્ટને ૧૮ ટકાના ટેક્સ સ્લેબમાં ધકેલી દેવાના પ્રયાસ ચાલી રહ્યા છે. જો આ અંદાજ યોગ્ય સાબિત થશે તો જીએસટી માળખામાં પણ ફેરફાર કરવામાં આવશે. ગ્રાહકો ઉપર આના લીધે બિનજરૂરી બોજ વધશે. સરકારના ખજાનામાં એક લાખ કરોડ રૂપિયા વધારાના આના લીધે મળી શકશે. એવો અંદાજ છે કે, ટેક્સના દરમાં સૂચિત ફેરફાર ઉપરાંત હવે એવી વસ્તુઓ ઉપર પણ ટેક્સ લાગૂ કરવામાં આવી શકે છે જે હજુ સુધી ટેક્સ ફ્રી છે.
હવે મોંઘા અને ખાનગી હોસ્પિટલોની સારવારથી લઇને હોટલમાં પ્રતિ રાત્રી ૧૦૦૦ રૂપિયા સુધીના ભાડાવાળા રુમમાં રહેવા પર બિલની ચુકવણીના સમયે ટેક્સ ચુકવવા પડતા નથી પરંતુ આ તમામ ચીજોને હવે ટેક્સની જાળમાં લેવાની તૈયારી ચાલી રહી છે. કરમુક્ત વસ્તુઓ અને સેવાઓને જીએસટીની હદમાં લાવવામાં આવી શકે છે. એમ માનવામાં આવે છે કે, જીએસટી કાઉન્સિલ ની પાસે કાર જેવી પદેશો પર લેવી વધારવા માટે કોઇ વધારે વિકલ્પ દેખાઈ રહ્યા નથી. પહેલી જુલાઈ ૨૦૧૭ના દિવસે જીએસટીને લાગૂ કરવામાં આવ્યા બાદથી સેંકડો વસ્તુઓ ઉપર ટેક્સ રેટમાં ઘટાડો કરવમાં આવી ચુક્યો છે. જેનાથી પ્રભાવિત ટેક્સ રેટ ૧૪.૪ ટકાથી ઘટાડીને ૧૧.૬ ટકા કરવામાં આવી ચુક્યો છે. આના પરિણામ સ્વરુપે ટેક્સથી મળનાર રકમમાં વાર્ષિક બે લાખ કરોડ રૂપિયાનો ઘટાડો થયો છે. જો પૂર્વ મુખ્ય આર્થિક સલાહકાર અરવિંદ સુબ્રમણ્યમના નેતૃત્વમાં સમિતિની ભલામણ મુજબ ૧૫.૩ ટકાના રેવેન્યુ ન્યુટ્રલ ટેક્સ રેટ પર વિચારવામાં આવે તો આ નુકસાન ઘટીને ૨.૫ લાખ કરોડ રૂપિયા થઇ શકે છે.
દેશમાં આર્થિક સુસ્તીના કારણે સ્થિતિ વણસી રહી છે. આના લીધે ટેક્સ રેવેન્યુમાં પણ સમસ્યા વધી ગઇ છે. ઓછી કર વસુલાતના કારણે હવે દર મહિને આશરે ૧૩૭૫૦ કરોડ રૂપિયા રાજ્યોને વળતર તરીકે આપવું પડે છે. આગામી વર્ષ સુધી આ રકમ વધીને ૨૦૦૦૦ કરોડ રૂપિયા સુધી પહોંચી જાય તેવી શક્યતા દેખાઈ રહી છે.