ઉત્તરપ્રદેશના ઉન્નાવમાં જામીન પર છુટીને બહાર આવેલા આરોપીઓ દ્વારા જીવિત સળગાવી દેવામાં આવેલી રેપ પિડિતાનુ શુક્રવારની મોડી રાત્રે દિલ્હીની સફદરજંગ હોસ્પિટલમાં મોત થતાં આઘાતનું મોજુ ફરી વળ્યું છે. આશરે ૪૦ કલાક સુધી જીવન માટે જંગ લડ્યા બાદ તેનું સફદરગંજ હોસ્પિટલમાં કાર્ડિયેક અરેસ્ટના કારણે મોત થયું હતું. તબીબોનું કહેવું છે કે, પીડિતાનું શરીર ૯૦ ટકા સુધી દાઝી ગયું હતું અને તેને બચાવવાની બાબત તબીબો માટે પણ ખુબ મુશ્કેલ હતી છતાં પણ તમામ પ્રયાસો કરવામાં આવ્યા હતા. ઉન્નાવમાં બિહાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રેપ પીડિતા પર ગુરુવારે વહેલી પરોઢે પાંચ લોકોએ હુમલો કર્યો હતો અને તેને જીવતી સળગાવી હતી. ટ્રેન પકડવા માટે ગુરુવારે વહેલી પરોઢે તે બેસવારા બિહાર રેલવે સ્ટેશન તરફ જઈ રહી હતી ત્યારે મૌરામોડ ઉપર ગામના હરીશંકર ત્રિવેદી, કિશોર, શુભમ, શિવમ અને ઉમેશે તેને ઘેરી લીધી હતી અને તેના ઉપર ચાકુ અને લાકડાથી પ્રહાર કર્યા હતા. જમીન પર પડી ગયા બાદ આરોપીઓએ તેના પર પેટ્રોલ છાંટીને આગ ચાંપી દીધી હતી.
આ સમગ્ર મામલામાં એસઆઈટી દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. ૯૦ ટકા કરતા વધારે દાજી ગયેલી આ યુવતિને ગુરૂવારના દિવસે એરલિફ્ટ કરીને દિલ્હી લાવવામાં આવી હતી. પિડિતાના મૃતદેહને પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યા બાદ હવે ઉન્નાવ લાવવામાં આવ્યો હતો.
પુત્રીના ગુનેગારોને હૈદરાબાદની જેમ જ સજા કરવા માટે અપીલ કરવામાં આવી છે. રેપ પિડિતાના ભાઇએ કહ્યુ છે કે અપરાધીઓને ફાંસીના માચડે લટકાવી દેવામાં આવે તે જરૂરી છે. પરિવારના સભ્યોને આરોપી સતત ધમકી આપી રહ્યા હતા. ગઇકાલે મોડી રાત્રે સફદરજંગ હોસ્પિટલમાં તેનુ ૧૧-૪૦ વાગે મોત થયુ હતુ. તબીબોએ તેને બચાવી લેવા માટેના તમામ પ્રયાસો કર્યા હતા. પરંતુ પ્રયાસો કામ લાગ્યા ન હતા. તમામ પાંચેય આરોપી પોલીસના સકંજામાં છે. પિડિતાએ કહ્યુ હતુ કે શિવમ ત્રિવેદી નામના શખ્સે તેને પ્રેમજાળમાં ફસાવી દીધી હતી. ત્યારબાદ રાયબરેલી લઇ જઇને રેપ કર્યો હતો. ઉન્નાવમાં ગુરુવારના દિવસે રેપ પીડિતાને સળગાવી દેવાના મામલામાં હાલમાં એસઆઈટીની રચના કરવામાં આવી હતી. ઉન્નાવના બિહાર પોલીસ સ્ટેશન હેઠળ આવતા એક વિસ્તારમાં બળાત્કાર પીડિતાને પાંચમી ડિસેમ્બરના દિવસે વહેલી પરોઢે પાંચ લોકોએ જીવતી સળગાવી દીધી હતી.
આ ઘટનામાં સામેલ રહેલા તમામ પાંચ લોકોની ધરપકડ કરી લેવામાં આવી હતી. આઈજી કાનૂન અને વ્યવસ્થા પ્રવિણકુમારે કહ્યું હતું કે, પીડિતાએ જે નિવેદન આપ્યું હતુ તેના આધાર પર તમામ પાંચેયની ધરપકડ કરી લેવામાં આવી હતી. આગને હવાલે કરી દેવાયેલી બળાત્કાર પીડિતા ૯૦ ટકા સુધી દાઝી ગઇ હતી. ૯૦ ટકા દાઝી ગયેલી ૨૩ વર્ષની યુવતીની હાલત ખુબ ગંભીર બનેલી હતી. જો કે આજે તેનુ મોત થયુ હતુ. તેને પહેલા લખનૌની સદર હોસ્પિટલમાં રાખવામાં આવી હતી. મોડેથી એરલિફ્ટ કરીને દિલ્હીના સફદરગંજ હોસ્પિટલ લઇ જવામાં આવી હતી. ૨૩ વર્ષીય યુવતીએ શિવમ અને શુભમ નામના યુવકો પર બળાત્કારનો કેસ દાખલ કરાવ્યો હતો.