કોંગ્રેસની ૮૪માં અધિવેશનની બેઠકમાં વર્તમાન અધ્યક્ષ રાહુલ ગાંધીએ ફરી એકવાર ભાજપ સરકાર પર આક્રમક પ્રહાર કર્યા હતા. રાહુલે ભાજપ પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, ભાજપ સત્તાના નશામાં ચૂર છે. ભાજપ તો ફક્ત એક સંગઠનનો અવાજ છે, પરંતુ કોંગ્રેસ આખા દેશનો અવાજ છે. આ ભાષણની શરૂઆતમાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, હું મારું અડધું ભાષણ હિન્દીમાં આપીશ અને દક્ષિણ ભારતના નેતાઓ માટે અડધું અંગ્રેજીમાં. કોંગ્રેસના લાખો કાર્યકરોએ દેશ માટે બલિદાન આપ્યું છે. આ દેશમાં એક પણ એવું રાજ્ય નથી, જ્યાં કોંગ્રેસના કાર્યકરે પોતાનો જીવ આપ્યો ના હોય!
રાહુલે વધુમાં કહ્યું હતું કે, હું એવું ના કહી શકું કે, અમારી સરકાર છેલ્લા સમયે પ્રજાની આશાઓ પર ખરી નહોતી ઉતરી. આપણે પ્રજાની આશાઓના હિસાબમાં ના ચાલ્યા. રાહુલ ગાંધીએ ભાજપ પર સીધો પ્રહાર કરતા કહ્યું હતું કે, ભાજપના અધ્યક્ષ હત્યાના આરોપી છે. ભાજપ બેકારી અને કૃષિ અર્થતંત્રની બગડેલી હાલત માટે ઝાકમઝોળભર્યા કાર્યક્રમો કરીને પ્રજાને બેધ્યાન કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. આજે ભ્રષ્ટાચારીઓ પાસે સત્તા છે, શક્તિ છે. અત્યારે મોદી અટક ભ્રષ્ટાચારનું પ્રતીક બની ગઈ છે. આ અટક વડાપ્રધાન અને ભ્રષ્ટાચારીઓ વચ્ચેની સાંઠગાંઠ દર્શાવે છે. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, ભારત દુનિયાનું સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર છે, પરંતુ કરોડો યુવાનો પાસે રોજગારી નથી. આજ આજના હિંદુસ્તાનની સચ્ચાઇ છે. દેશમાં ઠેર ઠેર મેડ ઇન ચાઇના ચીજવસ્તુઓ મળી રહી છે.
કોંગ્રેસના આ અધિવેશનમાં રાહુલ ગાંધીએ પક્ષની આંતરિક મુશ્કેલીઓનો મુદ્દો પણ છેડયો હતો. તેમણે કહ્યું હતું કે, કોંગ્રેસમાં કોઇ પણ કાર્યકર ટિકિટ લઇને પેરાશૂટથી નીચે ઉતરતો હતો. કોઇને પણ ચૂંટણીઓમાં ટિકિટ મળી જતી હતી. બીજી તરફ, અનેક કાર્યકરો લોહી-પરસેવો પાડીને કામ કરે છે અને તેમને કહેવામાં આવે છે કે, તમને ટિકિટ નહીં મળે. હવે આવું નહીં થાય. આ દરમિયાન રાહુલ ગાંધીએ ગુજરાતનું ઉદાહરણ આપતા કહ્યું કે, ગુજરાતમાં આપણે કોંગ્રેસી કાર્યકરોને શક્તિ આપી. તેના પરિણામો આપણે જોયા છે. આપણે આ રીતે ટિકિટ આપીશું તો મોદીજી હવે પછી સી-પ્લેનમાં નહીં સબમરિનમાં દેખાશે.