અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આવકનો એકમાત્ર સ્રોત પ્રોપર્ટી ટેક્સ હોઇ શહેરીજનોની સામાન્ય સુખાકારીનાં કામ પણ આ આવકથી હાથ ધરાય છે. અમ્યુકો તંત્ર દ્વારા પ્રોપર્ટી ટેક્સની આવક વધારવા માટે સીલીંગ ઝુંબેશ સહિતની કાર્યવાહી કરાય છે. પરંતુ સામાન્ય લોકોની મિલકતને બાકી ટેક્સના મામલે તાળાં મારનાર અમ્યુકો તંત્ર સરકારી મિલકતો સામે લાલ આંખ કરી શકતું નથી. આનું ઉત્તમ ઉદાહરણ કાલુપુર રેલવે સ્ટેશનનું છે. ૨૪ કલાક પેસેન્જરથી ધમધમતા કાલુપુર રેલવે સ્ટેશનનો લગભગ ૩૦ વર્ષથી રૂ.૯ કરોડનો પ્રોપર્ટી ટેકસ બાકી છે. જો કે, ગયા વર્ષે બીએસએનએલની ઓફિસને તાળાં મારનાર અમ્યુકો તંત્ર રેલવે સત્તાવાળાઓ સામે કડક પગલાં ભરશે કે કેમ તેવી ચર્ચા ઊઠી છે. આમ તો મ્યુનિસિપલ તંત્રના ચોપડે કુલ રૂ.૧૪૦૦ કરોડનો ટેક્સ બાકી બોલે છે, જેમાં બંધ મિલનો બાકી ટેકસ સૌથી વધુ છે.
ઉપરાંત બીએસએનએલ, રેલ્વે, એરપોર્ટ ઓથોરીટીનો કરોડો રૂપિયાનો બાકી ટેક્સ હજુ સુધી ભરાયો નથી. રેલ્વેતંત્રની વાત કરીએ તો તેની શહેરમાં અંદાજે ૫૦૦થી વધુ મિલકત છે. આ મિલકતનો રૂ.૧૮ કરોડથી વધુ ટેકસ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં બાકી બોલે છે. કાલુપુર રેલવે સ્ટેશન ઉપરાંત અમદાવાદની ડીઆરએમ ઓફિસનો રૂ.૯૧ લાખથી વધુ, સાબરમતી રેલ્વે કોલોનીનો રૂ.૭૬ લાખથી વધુ અને સાબરમતી રેલ્વે સ્ટેશન ઓફિસનો રૂ.૬૧ લાખથી વધુ ટેકસ હજુ સુધી ભરાયો નથી. બીજી તરફ એરપોર્ટ ઓથોરીટીનો રૂ.૧૯ કરોડનો ટેક્સ પણ ભરાયો નથી, જે મામલે ભારે ઊહાપોહ થતાં એરપોર્ટ ઓથોરિટીએ તાજેતરમાં રૂ.૫૮ લાખનો ટેક્સ ભરપાઇ કર્યો છે.
આ પહેલાં એરપોર્ટ ઓથોરિટીએ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં રૂ.૫૮ લાખ ચૂકવ્યા હતા. આમ, મ્યુનિસિપલ કોર્પોરેશનની તિજોરીમાં રૂ.૧.૧૬કરોડ ચૂકવાયા હતા. જો કે, હવે કાલુપુર રેલ્વે સ્ટેશનના છેલ્લા ૩૦ વર્ષથી બાકી બોલતા રૂ.૯ કરોડના ટેક્સને લઇ તેની વસૂલાત કયારે થશે તેની જોરશોરથી ચર્ચા ચાલી રહી છે.