મુંબઈની સ્પેશિયલ પ્રવેન્સન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (પીએમએલએ) કોર્ટ દ્વારા ફગેટિવ ઇકોનોમિક ઓફેન્ડર્સ એક્ટ હેઠળ ભાગેડુ આર્થિક અપરાધી તરીકે ફરાર કારોબારી નિરવ મોદીને જાહેર કરવામાં આવ્યો છે. નિરવ મોદી અને અન્ય ૧૩૦૦૦ કરોડ રૂપિયાના પંજાબ નેશનલ બેંક કૌભાંડમાં આરોપી તરીકે છે. નિરવ મોદી આ સમગ્ર મામલામાં એવા ત્રીજા કારોબારી છે જેમને ફરાર આર્થિક અપરાધી તરીકે જાહેર કરવામાં આવ્યા છે. તે પહેલા વિજય માલ્યાને પણ ફરાર અપરાધી તરીકે જાહેર કરવામાં આવી ચુક્યા છે. નિરવ મોદીની માર્ચ મહિનામાં ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદથી તેઓ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે. તેમના પ્રત્યાર્પણ પર કાયદાકીય કાર્યવાહી હાલમાં ચાલી રહી છે. આ વર્ષે જાન્યુઆરી મહિનામાં ખાસ પીએમએલએ કોર્ટે વિવાદાસ્પદ બિઝનેસમેન વિજય માલ્યાને ફરાર આર્થિક અપરાધી તરીકે જાહેર કરવા એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની અરજીને મંજુર રાખી હતી. તેમની સંપત્તિને જપ્ત કરવાના સંદર્ભમાં હજુ સુધી કોઇ નિર્ણય કરવામાં આવ્યો નથી. નવા એક્ટ હેઠળ આ પ્રકારનો પ્રથમ ચુકાદો જાહેર કરવામાં આવ્યો છે. પીએનબી કૌભાંડને લઇને નિરવ મોદી અનેક પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે.
ફરાર આર્થિક અપરાધી તરીકે નિરવ મોદીને જાહેર કરવામાં આવ્યા બાદ તેના ઉપર સકંજા આગામી દિવસોમાં વધુ મજબૂત કરવામાં આવનાર છે. તેમને એક આર્થિક અપરાધી તરીકે જાહેર કરવાની ઇડીની અરજીને ફગાવી દેવાની માંગ કરીને રજૂ કરવામાં આવેલી નિરવ મોદીની અરજીને ફગાવી દેવામાં આવી હતી. નિરવ મોદી છેતરપિંડી આચર્યા બાદ ફરાર થઇ ચુક્યા છે. ભારતની બહાર છેલ્લા ઘણા સમયથી રહે છે. વિવાદોને ઉકેલવા માટેના તમામ પ્રયાસ પીએનબી સાથે મળીને કરવામાં આવી રહ્યા હોવાના દાવા તેમના તરફથી થઇ ચુક્યા છે.