કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ ડુંગળીની રોકેટગતિથી વધતી કિંમતોને લઇને આજે નાણામંત્રી નિર્મલા સીતારામન ઉપર આકરા પ્રહાર કર્યા હતા અને તેમને અયોગ્ય ઠેરવ્યા હતા. રાહુલે કહ્યું હતું કે, કોઇએ પણ પ્રશ્ન કર્યો નથી કે તેઓ શું ભોજનમાં લે છે પરંતુ લોકો ઇચ્છે છે કે, અર્થવ્યવસ્થા પર સંકટ કેમ છે. ઉલ્લેખનીય છે કે, બુધવારના દિવસે એક સાંસદે તેમને પ્રશ્ન કર્યો ત્યારે આના પર સીતારામને સંસદમાં કહ્યું હતું કે, તેઓ એવા પરિવારમાંથી આવે છે જ્યાં ડુંગળી અને લસણનો ઉપયોગ કરવામાં આવતો નથી. સાંસદે બિલકુલ વેધક પ્રશ્ન કર્યો હતો જેના જવાબમાં સીતારામને આ પ્રકારનો જવાબ આપ્યા બાદ હોબાળો થયો હતો. જોકે, મોડેથી સીતારામને આને લઇને ખુલાસો કર્યો હતો. આજે કેરળના વાયનાડમાં આયોજિત કોંગ્રેસ નેતૃત્વની બેઠકમાં રાહુલે કહ્યું હતું કે, કોઇપણ લોકો દ્વારા નિર્મલા સીતારામનને ભોજનને લઇને પ્રશ્નો કરતા નથી. નાણામંત્રી તરીકે અમે તેમની પાસેથી જાણવા માંગીએ છીએ કે, અર્થવ્યવસ્થા પર સંકટ કેમ છે. નિર્મલા સીતારામન અયોગ્ય તરીકે પુરવાર થઇ રહ્યા છે. શું ચાલી રહ્યું છે તે અંગે પણ તેમની પાસે માહિતી નથી.
જો ગરીબોને પ્રશ્ન કર્યો હોત તો યોગ્ય જવાબ મળી ગયો હોત. કોંગ્રેસના સાંસદે આક્ષેપ કરતા કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતની સૌથી મોટી તાકાત તેની અર્થવ્યવસ્થાને મુશ્કેલીમાં મુકી દીધી છે. તેમણે કહ્યું હતું કે, અમે અમારા લોકોના અવાજ પર વિશ્વાસ કરીએ છીએ પરંતુ મોદી માત્ર પોતાના પર વિશ્વાસ કરે છે. તેઓએ કોઇ દુકાનદારને નોટબંધી અંગે પ્રશ્ન કર્યો નથી. રાહુલે કહ્યું હતું કે, ભારતની સૌથી મોટી તાકાત તેની અર્થવ્યવસ્થા છે. જીએસટીમાં પણ આવું જ થયું છે જેના લીધે હાસ્યાસ્પદ સ્થિતિ ઉભી થઇ ગઇ છે. કોંગ્રેસી નેતાએ કહ્યું હતું કે, તેમની પાર્ટી શરતો લાગૂ કરીને લોકોનું અપમાન કરશે નહીં. અમે પોતાના લોકો સાથે મારામારી અથવા હત્યા પર વિશ્વાસ કરતા નથી. આના માટે રાષ્ટ્રીય સ્તરે લડત ચલાવી રહ્યા છીએ.