મહારાષ્ટ્રમાં જોરદાર નાટકબાજી અને વિવાદ બાદ આખરે ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વમાં ગઠબંધન સરકાર બની ગઇ છે. ગઠબંધન સરકાર બન્યા બાદ સૌથી વધારે ફાયદો એનસીપીને થયો છે. કોંગ્રેસને નાયબ મુખ્યમંત્રી પદ મળનાર નથી જ્યારે એનસીપીને મોટાભાગના ખાતા મળી રહ્યા છે. મળેલી માહિતી મુજબ મહા વિકાસ અઘાડીની અંદર મંત્રણામાં સૌથી વધારે ફાયદો એનસીપીને થયો છે. તેની પાસે ૧૬ જેટલા ખાતા રહે તેવી શક્યતા છે. આ ઉપરાંત તેને નાયબ મુખ્યમંત્રી પદ પણ મળનાર છે જ્યારે શિવસેના પાસે મુખ્યમંત્રી સહિત કેબિનેટમાં ૧૫ સભ્યો રહેશે. કોંગ્રેસ પાસે કેબિનેટમાં ૧૨ સભ્યો રહેશે.
ઉપરાંત સ્પીકર પોસ્ટ પણ કોંગ્રેસની પાસે રહેશે. મંત્રણામાં કોંગ્રેસ પાર્ટીએ પણ તમામ તાકાત લગાવી હતી પરંતુ એનસીપીને વધારે લાભ અપાવવામાં શરદ પવાર સફળ રહ્યા છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલ અને એઆઈસીસીના જનરલ સેક્રટરી મલ્લિકાર્જુન ખડગેની અઠવાડિયા પહેલા પ્રથમ બેઠક મળી હતી જેમાં એનસીપી અને શિવસેના આ મુદ્દે સહમત થયા હતા કે, કોંગ્રેસને મહારાષ્ટ્ર વિધાનસભા સ્પીકર પોસ્ટ આપવામાં આવશે. ૧૨ ખાતાઓ આપવામાં આવશે. બીજી બાજુ એનસીપીએ નાયબ મુખ્યમંત્રીના બે પોસ્ટ બનાવવાની દરખાસ્ત સામે વાંધો ઉઠાવ્યો હતો. આ મુદ્દા ઉપર ચર્ચા પણ થઇ હતી ત્યારબાદ એવી સહમતિ થઇ હતી કે કોંગ્રેસને સ્પીકર પોસ્ટ આપવામાં આવશે. ૧૫ દિવસ સુધી વાતચીતના દોર ચાલ્યા હતા.
કોંગ્રેસ અને એનસીપી બંને પાર્ટીઓ દ્વારા નાયબ મુખ્યમંત્રી પદની માંગ કરવામાં આવી હતી. ગુરુવારના દિવસે કોંગ્રેસે એનસીપી અને શિવસેનાને કહ્યું હતું કે, તે સ્પીકરના પોસ્ટને લઇને ઉત્સુક નથી પરંતુ નાયબ મુખ્યમંત્રી પદના મુદ્દે તેના દાવાને છોડશે નહી. એનસીપીના નેતાઓ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી હતી કે, આ મુદ્દે કોઇ બાંધછોડ કરાશે નહી. સરકારમાં માત્ર એક જ નાયબ મુખ્યમંત્રી રહેશે. એનસીપી માટે આ પોસ્ટ જશે. સ્પીકર પોસ્ટ કોંગ્રેસને મળી જશે. કોંગ્રેસ પાસે કોઇ વધારે વિકલ્પ રહ્યા ન હતા. આખરે સ્પીકર પોસ્ટને સ્વીકારી લેવામાં કોંગ્રેસે કોઇ અડચણ ઉભી કરી નથી. મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીના પરિણામ જાહેર કરવામાં આવ્યા બાદ ભાજપ સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી હતી પરંતુ તેના સાથી પક્ષ શિવસેનાએ તેની સાથે છેડો ફાડતા તેમની સરકાર બની શકી નથી. શિવસેનાએ કોંગ્રેસ અને એનસીપીની સાથે મળીને મહારાષ્ટ્રમાં સરકાર બનાવી લીધી છે. આવી સ્થિતિમાં ભાજપ અને શિવસેના વચ્ચે ખેંચતાણ ખુબ વધી ગઈ છે.