રાજયમાં તાજેતરમાં લેવાયેલી બિનસચિવાલય ક્લાર્ક તથા ઓફિસ આસિસ્ટન્ટ વર્ગ-૩ની ૩૯૦૧ જગ્યાની પરીક્ષામાં ગેરરીતિ થઈ હોવાના ગંભીર આરોપ લગાવવાની સાથે તેના પુરાવા રૂપે વિપક્ષ કોંગ્રેસ દ્વારા સીસીટીવી ફુટેજ પણ જાહેર કરવામાં આવ્યા હતા. જેને પગલે ફરી એકવાર રાજકારણ ગરમાયું છે. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ પ્રેસ કોન્ફરન્સ કરીને તેના પુરાવા રૂપે સુરેન્દ્રનગરના બે સેન્ટરોના સીસીટીવી ફુટેજ પણ જારી કર્યા હતા. સીસીટીવી ફૂટેજમાં એક પરીક્ષાર્થી મોબાઈલ સાથે પરીક્ષા આપતો દેખાયો હતો. બીજીબાજુ, કોંગ્રેસના આરોપ બાદ ગુજરાત પસંદગી ગૌણ સેવા મંડળ બચાવમાં જોવા મળ્યું હતું અને કાર્યવાહી કરવાના સંકેત આપ્યા હતા. કોંગ્રેસે સરકાર પર પણ આકરા પ્રહારો કર્યા હતા અને આ પરીક્ષા રદ કરવાની ઉગ્ર માંગણી કરી હતી. કોંગ્રેસે સીસીટીવી જાહેર કરીને બિન સચિવાલયની પરીક્ષામાં ગેરરીતિનો આરોપ લગાવતાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (જીપીએસસી) બચાવની મુદ્રામાં જોવા મળ્યું હતું.
જીપીએસસીના ચેરમેન આસિત વોરાએ એક તબક્કે ગેરરીતિ કરનાર સામે પગલાં ભરવા હૈયાધારણ આપી હતી, સાથે સાથે જે તે વિસ્તારના કેન્દ્રના જવાબદારો સામે કડકમાં કડક પગલાં લેવા માટે જણાવ્યું હતું. કોંગ્રેસે સીસીટીવી ફુટેજ જાહેર કરી જણાવ્યું હતું કે, સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણની એસ.એમ વિદ્યાલયમાં ૧૨-૦૦ થી ૨-૦૦ વાગ્યા સુધીની પરીક્ષા દરમિયાન એક યુવક ૧-૧૪ વાગે કલાસરૂમ છોડીને બહાર જાય છે અને અંદાજે ૩૦ મિનિટ બાદ કલાસરૂમમાં પરત આવે છે અને આવ્યા બાદ ચિઠ્ઠીમાંથી જવાબ લખતો નજરે પડે છે. અન્ય એક કિસ્સામાં સી.યુ.શાહ ઈંગ્લીશ સ્કૂલમાં પણ મોબાઈલ ફોન અને નેટના ઉપયોગ પર પ્રતિબંધ હોવા છતાં એક યુવક ૧-૧૪ વાગે મોબાઈલ ફોનનો ઉપયોગ કરતો દેખાય છે અને પરીક્ષા પૂર્ણ થતાં જવાબવાહીનો ફોટો પોતાનો મોબાઈલમાં કેદ કરતો દેખાય છે.
આ સમગ્ર મામલાનો એનએસયુઆઇ અને ગુજરાત કોંગ્રેસ દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો હતો અને પરીક્ષા રદ કરવાની માંગણી કરવામાં આવી છે. કોંગ્રેસે રાજ્યમાં છેલ્લે લેવાયેલી ૧૧ પરીક્ષામાં ગેરરીતિ આચરાઈ હોવાનો ગંભીર આક્ષેપ કર્યો છે. સાથે સાથે ભાજપ સરકાર વિરુદ્ધ કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો હોવાનું પણ કોંગ્રેસે આક્ષેપ કરી સરકાર પાસે તમામ કેન્દ્રોના સીસીટીવીની માંગણી કરી છે. આ મામલો મધ્યપ્રદેશના વ્યાપમ કૌભાંડથી પણ મોટું કૌભાંડ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. સમગ્ર મામલે સરકાર દ્વારા પગલાં લેવામાં નહીં આવે તો કોંગ્રેસે આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી.