ઝારખંડ વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કામાં આજે ૧૩ સીટો પર સવારે સઘન સુરક્ષા અને હિંસાની દહેશત વચ્ચે મતદાન શરૂ થયુ હતુ. સવારે મતદાન શરૂ થયા બાદથી જ કેટલાક મતદાન મથકો ખાતે લાંબી લાઇન જોવા મળી હતી. જ્યારે કેટલાક મતદાન મથકો પર સવારમાં ઓછા મતદારો પહોંચ્યા હતા. કલાકોના ગાળામાં જ કેટલીક જગ્યાએ ઉંચુ મતદાન થયુ હતુ. બીજી બાજુ ગુમલા જિલ્લામાં નક્સલી હુમલાના કારણે દહેશત ફેલાઇ ગઇ હતી. જાણકારી મુજબ નક્સલીઓએ બિશુનપુરમાં એક બ્રિજને ફુંકી માર્યુ હતુ. જો કે આ ઘટનામાં કોઇને ઇજા થઇ ન હતી. ડેપ્યુટી કમિશનર શસી રંજને માહિતી આપતા કહ્યુ છે કે હુમલો કરવામાં આવ્યા બાદ મતદાનને લઇને કોઇ અસર કોઇ જગ્યાએ થઇ ન હતી. મતદાન જારી રહ્યુ હતુ.
જો કે આ હુમલા બાદ નક્સલીઓની ગતિવિધીને રોકવા માટે તમામ પગલા લેવામાં આવ્યા હતા. ઝારખંડ વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કામાં આશરે ૩૭૮૩૦૫૫ મતદારો પૈકી મોટી સંખ્યામાં મતદારો દ્વારા તેમના મતાધિકારનો ઉપયોગ શરૂઆતમાં કર્યો હતો. મતદાન શરૂ થતાની સાથે જ ૧૮૯ ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં સીલ થઇ ગયા હતા. પ્રથમ તબક્કામાં એક પાર્ટી છોડીને બીજી પાર્ટીમાં આવેલા ઉમેદવારોની આકરી કસોટી થઇ રહી છે. આમાં કેટલાક એવા ઉમેદવારોના ભાવિ પણ સામેલ છે જે હવાની સ્થિતી જોઇને મેદાનમાં ઉતરી ગયા છે. આ ચૂટણી ભારતીય જનતા પાર્ટી અને વિપક્ષ બંને માટે ઉપયોગી છે. એકબાજુ ભારતીય જનતા પાર્ટીએ સરકાર બચાવી લેવા માટે તમામ તાકાત લગાવી ચુકી છે. બીજી બાજુ વિપક્ષ રઘુવરદાસ સરકારને સત્તાથી દુર કરવા માટે તમામ તાકાત લગાવી રહી છે.
આ ચૂંટણીના તબક્કામાં મેદાનમાં રહેલા ઉમેદવારો પૈકી આરોગ્ય પ્રધાન રામચન્દ્ર ચન્દ્રવંશી, કોંગ્રેસ ના રામેશ્વર ઉરાંવ, પૂર્વ પ્રધાન તેમજ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ભાનુ પ્રતાપ શાહી મેદાનમાં છે. રાજ્યના મુખ્યપ્રધાન રઘુબર દાસે પ્રજાને મતદાનમાં મોટા પાયે સામેલ થવા માટે અપીલ કરી છે. તેમણે કહ્યુ છે કે દરેક મત પ્રદેશના વિકાસ માટે ઉપયોગી છે. મોટી સંખ્યામાં પોલિગ બુથ પર પહોંચીને મતદાનમાં ભાગ લેવા માટે અપીલ કરવામાં આવી છે. પ્રથમ તબક્કામાં ૧૮૯ ઉમેદવાર મેદાનમાં છે. જેમાં ૧૭૪ પુરૂષ ઉમેદવારો અને ૧૫ મહિલા ઉમેદવારો છે.
મતદાન સવારે સાત વાગ્યા શરૂ કરવામાં આવ્યા બાદ બપોરે ત્રણ વાગ્યા સુધી ચાલનાર છે. આ તબક્કામાં સૌથી વધારે ૨૮ ઉમેદવારો ભવનાથપુર સીટ પરથી છે. મહારાષ્ટ્ર અને હરિયાણામાં વિધાનસભાની ચૂંટણીની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ હવે ઝારખંડમાં મતદાનની પ્રક્રિયા શરૂ થઇ રહી છે. પહેલી નવેમ્બરના દિવસે કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી હતી. ૮૧ સીટવાળી વિધાનસભા માટે પાંચ તબક્કામાં મતદાન થશે. ૨૩મી ડિસેમ્બરના દિવસે પરિણામ જાહેર કરવામાં આવશે. પ્રથમ તબક્કામાં ૩૦મી નવેમ્બરના દિવસે, સાતમી ડિસેમ્બરના દિવસે બીજા તબક્કામાં, ૧૨મી ડિસેમ્બરના દિવસે ત્રીજા તબક્કામાં, ૧૬મી ડિસેમ્બરે ચોથા તબક્કામાં અને ૨૦મી ડિસેમ્બરના દિવસે પાંચમા તબક્કામાં મતદાન થશે. ઝારખંડમાં વર્તમાન વિધાનસભાની અવધી પાંચ જાન્યુઆરી ૨૦૨૦ના દિવસે પૂર્ણ થઈ રહી છે. ચૂંટણી પંચ દ્વારા પહેલી નવેમ્બરના દિવસે કાર્યક્રમોની જાહેરાત કરવામાં આવ્યા બાદ રાજકીય પક્ષોમાં ગતિવિધિ વધી ગઈ હતી. તમામ લોકોનું ધ્યાન હવે ઝારખંડ ઉપર કેન્દ્રીત થઈ ગયું છે. આજે પ્રથમ તબક્કામાં મતદાન બાદ સાતમી ડિસેમ્બરના દિવસે બીજા તબક્કામાં ૨૦ સીટો પર મતદાન થશે. ૧૨મી ડિસેમ્બરના દિવસે ત્રીજા તબક્કામાં ૧૭ સીટ પર મતદાન થશે. જ્યારે ૧૬મી ડિસેમ્બરના દિવસે ચોથા તબક્કામાં ૧૫ સીટ પર મતદાન થશે. જ્યારે પાંચમા અને અંતિમ તબક્કામાં ૨૦મી ડિસેમ્બરના દિવસે ૧૬ સીટ પર મતદાન થશે.
૨૩મી ડિસેમ્બરના દિવસે પરિણામ જાહેર કરવામાં આવશે. પ્રથમ વખત શારીરીક રીતે વિકલાંગ અને સિનિયર સિટીઝન માટે ઘરેથી બેઠા બેઠા પોસ્ટલ બેલેટની સુવિધા ઉભી કરવામાં આવી છે. તેમની પાસે પોલિંગ સ્ટેશને જઈને ઈવીએમથી મતદાન કરવાનું વિકલ્પ છે ૮૧ સભ્યોની ઝારખંડ વિધાનસભામાં સરકાર બનાવવા માટે કોઈ પાર્ટી અથવા તો ગઠબંધનને ઓછામાં ઓછી ૪૧ સીટો જીતવાની જરૂર રહેશે. શાસક પક્ષ ભાજપ અને ઓલ ઝારખંડ સ્ટુડન્ટ યુનિયન ગઠબંધન સરકારની સામે સરકાર બચાવવાનો પડકાર છે. છેલ્લી ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ ૩૭ અને તેના સાથી પાર્ટીએ ૫ સીટો જીતી હતી. ત્યારબાદ રઘુવરદાસના નેતૃત્વમાં સરકારની રચના કરવામાં આવી હતી.
જેની પાંચ વર્ષની અવધી પૂર્ણ થઈ ચુકી છે. ૨૦૧૪માં વિધાનસભા ચૂંટણીમાં કુલ ૮૧ સીટોમાંથી ભાજપે ૩૭ ઉપર જીત મેળવી હતી. એજેએસયુ દ્વારા પાંચ સીટો જીતવામાં આવી હતી. ઝારખંડ મુક્તિ મોરચાની ૧૯ સીટો હતી. બાબુલાલ મારન્ડીના ઝારખંડ વિકાસ મોરચાએ આઠ સીટો જીતી હતી. મોડેથી તેના છ સભ્યો ભાજપામાં સામેલ થઈ ગયા હતા. કોંગ્રેસે સાત સીટો જીતી હતી. જ્યારે અન્યોના ખાતામાં છ સીટો ગઈ હતી. પોલિગ સ્ટેશનોમાં ૨૦ ટકાનો વધારો થયો છે. ઝારખંડમાં મતદાર યાદીમાં કુલ ૨.૨૬૫ કરોડ મતદારો છે. ૧૨મી ઓક્ટોબરના દિવસે અંતિમ મતદાર યાદી જારી કરવામાં આવી હતી. રાજ્યના ૧૯ જિલ્લાઓમાં ૬૭ સીટો નક્સલવાદી ગ્રસ્ત છે. ૧૯ જિલ્લા સંવેદનશીલ છે. જેમાંથી ૧૩ જિલ્લા અતિસંવેદનશીલ છે.