સુરત શહેરમાં પાંચ દિવસમાં સીટી બસ દ્વારા સર્જાયેલા અકસ્માતમાં ચાર લોકોએ જીવ ગુમાવ્યો હતો. આ અકસ્માતોના પગલે મચેલા ઉહાપોહ અને ભારે વિવાદ બાદ આખરે સુરત મહાનગરપાલિકા દ્વારા સુરતના રસ્તા પર દોડતી સીટી અને બીઆરટીએસ બસની સ્પીડ કંટ્રોલ કરવા માટે આદેશ આપવામાં આવ્યા છે. જેથી હવે સુરતના રસ્તા પર ૪૦ કિલોમીટરથી વધુ સ્પીડે બસ દોડતી જોવા મળશે નહી. તંત્ર દ્વારા સુરતમાં બીઆરટીએસ અને સીટી બસની ગતિ મર્યાદા ૪૦ની નક્કી કરવામાં આવી છે. સુરત મહાનગરપાલિકા દ્વારા સંચાલિત સીટી બસની અડફેટમાં અત્યાર સુધીમાં ૫૪ લોકોએ જીવ ગુમાવ્યા છે.
ગત અઠવાડિયામાં ચાર દિવસમાં ચાર અકસ્માત થતાં સુરતવાસીઓમાં ભારે આક્રોશ ફેલાયો હતો અને સીટી અને બીઆરટીએસ બસની સ્પીડમાં ઘટાડો કરવા જોરદાર માંગણી ઉઠી હતી. સતત પાંચ દિવસ સુધી પાંચ એજન્સીને સ્પીડ લિમીટ ઘટાડવા સૂચના જારી સીટી બસના અકસ્માતમાં ચારના મોત નીપજ્યા હતા.
સળંગ વિવિધ વિસ્તારોમાં બીઆરટીએસ અને સીટી બસે અકસ્માત સર્જયા બાદ સુરત મહાનગરપાલિકાએ તમામ બસ ઓપરેટરોને સ્પીડ ગવર્નન્સનો ઉપયોગ કરી બસની સ્પીડમાં ઘટાડો કરવાની સૂચના આપી છે. હાલ સુરતના રસ્તા પર દોડતી સિટી અને બીઆરટીએસ બસની સ્પીડ ૪૫થી ૫૦ કિલોમીટરની છે, જેને હવે ૪૦ કિલોમીટરની સ્પીડ કરી દેવામાં આવશે. સુરત મહાનગરપાલિકા દ્વારા બસ કોન્ટ્રાક્ટર પ્રસન્ના પર્પલ, ચાર્ટડ સ્પીડ, આદિનાથ ટ્રાવેલ્સ, હંસા ટ્રાવેલ્સ, મારુતિ ટ્રાવેલ્સને પત્ર લખીને સ્પીડમાં ઘટાડો કરવાનો આદેશ આપ્યો છે. જેને પગલે હવે સુરતના રસ્તા પર ૪૦ કિમીથી વધુની સ્પીડે બીઆરટીએસ બસ કે સીટી બસ દોડતી જોવા નહી મળે. જો કે, આ નવા નિયમનું ઉલ્લંઘન થાય તો જાગૃત નાગરિકો કે મુસાફરો પાલિકાના સત્તાધીશોને ફરિયાદ કરી શકશે.