મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાથે નીતિ આયોગના વાઇસ ચેરમેન ડૉ. રાજીવકુમારની ગાંધીનગરમાં બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં ગુજરાત રાજ્યના વિવિધ વિકાસલક્ષી મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. રાજ્યમાં પીવાના પાણી, ટેકાના ભાવે ખેત ઉત્પાદનની ખરીદી, પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના તેમજ પાણી, વીજળી, મહિલા બાળ કલ્યાણ, નાગરિક પુરવઠો સહિતની માળખાકીય વિવિધ સુવિધાઓની પરિસ્થિતિ અને કાર્યોમાં પ્રગતિની વિશદ ચર્ચા કરી હતી.
નીતિ આયોગ દેશની યોજનાઓના ભાવિ આયોજન અને તેમાં રાજ્યોની જરૂરિયાતોના સંદર્ભમાં દેશના રાજ્યોની મુલાકાત લઇ પરામર્શ કરે છે, આ સંદર્ભમાં ડૉ.રાજીવકુમાર ગુજરાતની મુલાકાતે આવેલા છે.
નીતિ આયોગના વાઇસ ચેરમેને ગુજરાતમાં ખેડૂતોને ટેકાના ભાવે ખરીદી અને વ્યાજ સબસીડી જેવા હિતલક્ષી પગલાંઓ તેમજ રોડ કનેટીવીટી, વીજળી જેવા પાયાના ક્ષેત્રો સહિતના વિકાસકાર્યોની પણ સરાહના કરી હતી.
મુખ્યમંત્રીએ આ બેઠકમાં કોસ્ટલ ઇકોનોમિક ઝોન (સી.ઇ.ઝેડ.)ના વિકાસ દ્વારા રાજ્યમાં ઉભી થયેલ રોજગારીની તકો વિશે માહિતી આપી હતી. કોસ્ટલ ઇમોનોમીક ઝોન (સી.ઇ.ઝેડ.) યુનિટની સ્થાપના માટે સ્થાન નિશ્ચિત કરવામાં આવેલ છે. નીતિ આયોગના વાઇસ ચેરમેને પૂર્વિય દરિયાઇ વિસ્તારની પેટર્નના આધારે પશ્ચિમ દરિયાઇ વિસ્તારના વિકાસની ક્ષમતાઓ વિકસાવવા સૂચન કર્યું હતું. સાથે સાથે તેઓએ દરિયાના પાણીનો ઉપયોગ ઔદ્યોગિક અને અન્ય હેતુઓ માટે કરવા ઇઝરાઇલની પદ્ધતિ અપનાવવા પણ સૂચન કર્યું હતું. મુખ્યમંત્રીએ તેમાં ખૂબ મોટા નાણાકીય રોકાણની આવશ્યકતા હોઇ તે માટે કેન્દ્ર સરકારની સહાય માટે વિનંતી કરી હતી.
મુખ્યમંત્રીએ પાક વિમા યોજનાના બદલે રાજ્ય પાક વિમા નિધિ અમલી બનાવવા અને તે માટે કેન્દ્ર સરકારની સહાય માટે વિનંતી કરી હતી. નીતિ આયોગના વાઇસ ચેરમેને આ બાબતોમાં મદદ કરવાની ખાતરી આપી હતી.
વાઇસ ચેરમેનએ ગુજરાત સરકારના અમુલ સંસ્થાના સહયોગથી શરૂ થનાર પુરક પોષણ આહાર યોજનાની ખુબ સરાહના કરી તેમજ ગુજરાત સરકારના સર્વાંગી વિકાસ માટેના પ્રયત્નોને પણ બિરદાવ્યાં હતા. તેમણે ગુજરાત સરકારના રાજયના સમતોલ અને સર્વગ્રાહી વિકાસ માટે અમલમાં મુકવામાં આવેલ નીતિઓ અને યોજનાઓ પરત્વે અંત્યત આનંદ અને સંતોષની લાગણી વ્યક્ત કરી હતી.
મુખ્યમંત્રી સાથેની આ બેઠકમાં મુખ્ય સચિવ ડૉ. જે. એન. સિંહ, અધિક મુખ્ય સચિવઓ, મુખ્યમંત્રીના અગ્રસચિવ એમ.કે.દાસ અને સંબંધીત વિભાગના વરિષ્ઠ સચિવો પણ જોડાયા હતા.