તાજેતરમાં દેશના વાહનવ્યવહાર મંત્રાલયે આપેલી માહિતી મુજબ દેશના ૧૮ રાજ્યોમાં નવા ટ્રાફિક દંડ પેટે બે મહિનામાં કુલ ૫૭૭ કરોડની વસૂલાત થઈ છે. જેમાં ગુજરાત રાજયમાંથી સૌથી વધુ દંડ વસૂલાયો છે, એકલા ગુજરાતમાંથી ૧૭.૫૦ ટકા દંડ વસૂલ કરવામાં આવ્યો છે. રકમની દ્રષ્ટિએ જાઇએ તો, છેલ્લા બે મહિનામાં ગુજરાતીઓ પાસેથી પોલીસે દંડ પેટે રૂ.૧૦૧ કરોડ ખંખેરી લીધા છે.
એચએસઆરપી અને પીયુસીમાં રાહત વચ્ચે ગુજરાતમાં ટ્રાફિકના નિયમોનું ભંગ કરવા બદલ ૨.૨૨ લાખ મેમો ફાટ્યા છે. અલબત્ત, ઉત્તરપ્રદેશમાં ૯.૮૩ લાખ મેમા ફાટયા છે પરંતુ સામે આટલા બધા મેમાની સામે રૂ.૨૦૧.૯૧ કરોડનો દંડ વસૂલાયો છે. આમ, યુપીમાં સૌથી વધુ દંડની રકમ વસૂલાઇ છે અને ગુજરાત બીજા નંબરે છે પરંતુ વસૂલાતની દ્રષ્ટિએ ગુજરાતીઓ દંડની રકમ ભરવામાં સૌથી વધુ ભોગ બન્યા છે કારણ કે, ૨.૨૨ લાખ મેમા પેટે જ ગુજરાતીઓ પાસેથી રૂ.૧૦૧ કરોડથી વધુની રકમ ખંખેરાઇ છે. ગુજરાતમાં ટ્રાફિક ભંગના નિયમ બદલ સરકારે દંડની રકમમાં ૪૦૦થી ૯૦૦ ટકાનો વધારો ઝીંક્યો છે.
ત્યારે દંડની રકમમાં જંગી વધારા બાદ બે મહિનામાં સરકારે ગુજરાતીઓના ખિસ્સામાંથી ૧૦૧ કરોડ ખંખેરી લીધા છે. આમ નવા કાયદાના અમલથી સરકારી તિજોરી છલકાઈ છે અને ગુજરાતીઓ જ મેઇન ટાર્ગેટ બન્યા હોય તેવું ચિત્ર સામે આવ્યું છે. દેશમાં ૧૮ રાજ્યોમાં વસૂલાયેલા દંડના આંકડા મુજબ સૌથી વધુ દંડની રકમ ઉઘરાવવા મામલે ગુજરાત ઉત્તરપ્રદેશ બાદ બીજા નંબરે છે. ગુજરાતમાં ૨.૨૨ લાખ મેમા ફાટ્યા છે અને દંડ પેટે ૧૦૧ કરોડ વસૂલાયા છે. જ્યારે ઉત્તરપ્રદેશમાં ૯.૮૩ લાખ મેમા સામે દંડ પેટે ૨૦૧ કરોડ ઉઘરાવ્યા છે. આમ યુપીની આવક ગુજરાત કરતા બે ગણી છે પણ દંડ ભરનારા લોકો ગુજરાત કરતા ૭.૬૦ લાખ વધુ છે.
આમ સમગ્ર દેશમાં ગુજરાતીઓ જ સૌથી વધુ દંડ ચૂકવી રહ્યાં છે. ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષમાં હેલ્મેટ અને સીટ બેલ્ટ વગર દંડ પેટે ૧૩૨૩ કરોડ વસૂલાયા હતા. આ દંડની રકમ મહિનાની સરેરાશ રૂ.૨૨ કરોડ થાય છે. નવા નિયમ લાગુ થયા બાદ છેલ્લા બે મહિનામાં ૧૦૧ કરોડ દંડ પેટે વસૂલવામાં આવ્યા છે. આમ દંડની રકમ મહિને ૫૦ કરોડથી વધુ થાય છે. જેને લઇ હવે ગુજરાતી પ્રજામાં આક્રોશની લાગણી સામે આવી રહી છે.