મુંબઈથી અમદાવાદમાં આવી ક્લોન કરેલા બનાવટી એટીએમ, ડેબીટ કાર્ડનો ઉપયોગ કરી પૈસા કાઢતી ગેંગના બે આરોપીઓની નારોલ પોલીસે આજે ધરપકડ કરી હતી. પોલીસે બંને આરોપીઓને રંગેહાથ ઝડપી લીધા હતા અને તેમની પાસેથી ૪૫ એટીએમ કાર્ડ, તેમના નકલી આધારકાર્ડ સહિતનો મુદામાલ જપ્ત કર્યો હતો. પોલીસે બનાવટી એટીએમ અને ડેબીટ કાર્ડથી પૈસા કાઢી લેવાની મોડેસ ઓપરેન્ડીથી તરખાટ મચાવનારી મુંબઇની ગેંગના અન્ય આરોપીઓ અને મુખ્ય સૂત્રધારની કડીઓ મેળવવાની દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, મુંબઇથી બે શખ્સો એટીએમ કાર્ડના જથ્થા સાથે આવી રહ્યા હોવાની બાતમીના આધારે નારોલ પોલીસે વોચ ગોઠવીને લાભા ટી પાસેથી અજયસિંહ દહીયા અને ભુપેન્દ્રસિંહ જાટ નામના આરોપી (બંને. રહે. હરિયાણા)ની ધરપકડ કરી હતી. આરોપીઓ અલગ અલગ બેંકોના ગ્રાહકોના ડેટા મેળવીને આ ડેટા બ્લેન્ક માસ્ટર કાર્ડ પર ઇન્સર્ટ કરીને ઇલેક્ટ્રોનીક માધ્યમ દ્વારા પાસવર્ડ તથા ગ્રાહકના નંબરો લખી બનાવટી કાર્ડ બનાવતા હતાં. જોકે તેઓ ગ્રાહકોના ડેટા ક્યાંથી મેળવતા હતાં અને આ ડેટા કાર્ડમાં ઇન્સર્ટ કોણ કરતું હતુ.
આરોપીઓ આટલા મોટા પ્રમાણમાં કાર્ડનો જથ્થો લઇને ગુજરાત શા માટે આવ્યાં, અત્યાર સુધીમાં તેમણે કોની કોની સાથે છેતરપીંડી કરી છે તે અંગે પોલીસે હવે વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે બંને આરોપીઓ પાસેથી ૪૫ એટીએમ કાર્ડ, તેમના નકલી આધારકાર્ડ સહિતનો મુદામાલ જપ્ત કર્યો હતો.