નોટબંધી પહેલા લગભગ નિષ્ક્રીય રહેલા મોટાભાગના નાણા સિસ્ટમમાં આવ્યા છે અને આ નાણાનો ઉત્પાદક ઉપયોગ થઈ રહ્યો છે. આમ એકંદરે નોટબંધી ભારતના ઇક્વિટી માર્કેટ અને કેપિટલ માર્કેટ માટે પોઝિટિવ રહી છે. નોટબંધી પછી વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફઆઇઆઇ)એ ₹25,160 કરોડનું રોકાણ કર્યું છે, જ્યારે ઘરેલું સંસ્થાકીય રોકાણકારો (ડીઆઇઆઇ)એ ₹1,64,821 કરોડનું રોકાણ કર્યું છે. 2018ના કેલેન્ડર વર્ષમાં અત્યાર સુધી એફઆઇઆઇ અને ડીઆઇઆઇએ અનુક્રમે ₹5,000 કરોડ અને ₹25,000 કરોડના શેરો ખરીદ્યા છે. ઇક્વિટી પર લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ લાદવામાં આવ્યો હોવા છતાં એફઆઇઆઇ અને ડીઆઇઆઇ ભારત માટે હકારાત્મક વલણ ધરાવે છે. આ ઉપરાંત જીડીપી, મેન્યુફેક્ચરિંગ પીએમઆઇ, ઓટો વેચાણ અને આઇઆઇપીમાં વૃદ્ધિ જેવા તાજેતરના હકારાત્મક આર્થિક ડેટા પણ આગામી સમયગાળામાં ઊંચા અર્નિંગ ગ્રોથનો સંકેત આપે છે.
મોટાભાગના નિકાસલક્ષી ક્ષેત્રોનો આવકવૃદ્ધિદર તુલનાત્મક રીતે નરમ રહેવાની ધારણા છે. જોકે એફએમસીજી જેવા ઘરેલુ કન્ઝમ્પ્શન સંલગ્ન ક્ષેત્રમાં વાર્ષિક ધોરણે 11થી 12 ટકા, ઓર્ગેનાઇઝ્ડ રિટેલમાં વાર્ષિક ધોરણે 17થી 19 ટકા અને પેસેન્જર કાર એન્ડ ટુ વ્હિલર્સ સેગમેન્ટમાં વાર્ષિક ધોરણે 13થી 15 ટકા વૃદ્ધિથી આગામી બે નાણાકીય વર્ષમાં ભારતના કોર્પોરેટ જગતની આવકવૃદ્ધિને વેગ મળશે. આગામી નાણાકીય વર્ષમાં સિમેન્ટ (ઓપરેટિંગ લિવરેજમાં સુધારો) અને કન્સ્ટ્રક્શન (પ્રોજેક્ટ્સના ઝડપથી અમલીકરણ) ક્ષેત્રના માર્જિનમાં આગામી નાણાકીય વર્ષમાં વધારો થવાની ધારણા છે.
આ ક્ષેત્ર સરકારના ખર્ચ માટેના ફોકસ ક્ષેત્રો છે. એવું માની શકાય છે કે આગામી સમયગાળામાં રોડ, વોટર રિસોર્સિસ, રેલવે જેવા ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્ર માટેના ખર્ચમાં વધારો થશે. સ્માર્ટ સિટીના વિકાસ, મેટ્રો રેલ પ્રોજેક્ટ્સ, બુલેટ ટ્રેન તથા બીજી અને ત્રીજી શ્રેણીના શહેરોમાં રિયલ એસ્ટેટ, ક્ષેત્રમાં વૃદ્ધિ પણ ઇન્ફ્રા ક્ષેત્ર માટે સારા સંકેત છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર શેરોમાં રોકાણ વધારવાનો સમય છે.