પંજાબના પૂર્વ મુખ્ય મંત્રી બીયંત સિંહની હત્યા કેસમાં જગતાર સિંહ તારાએ પોતે કરેલ ગુનાનો સ્વીકાર કર્યાના બીજા જ દિવસે ચંદીગઢની જિલ્લા અદાલતે તેમને જન્મટીપની સજા ફટકારી હતી. પોતાના ગુનાની કબુલાત કરતાં તારાએ ગઇ જાન્યુઆરીમાં કોર્ટને એક પત્ર સોંપ્યો હતો જેમાં લખ્યું હતું કે ‘ બીયંત સિંહની હત્યા કરવા બદલ મને જરાય અફસોસ નથી’ તેમણે એમ પણ લખ્યું હતું કે અંગ્રેજ જનરલ માઇકલ ડાયરની હત્યા કરનાર શહીદ ઉધમ સિંહ બીયંત સિંહની હત્યા કરવા માટે મારી પ્રેરણા છે. બીયંત સિંહની હત્યા માટે તેમણે કાર ખરીદી હતી અને હત્યા કરવા માટે સારી તકની રાહ જોતા હતા.
ઉલ્લ્ખેનીય છે કે ચંદીગઢ પોલીસે બીયંત સિંહની હત્યામાં નવ જણાની ધરપકડ કરી હતી જ્યારે આ કેસમાં છ જણા સામે ફરીયાદ દાખલ કરાઇ હતી જેમને કોર્ટે રીઢા આરોપીઓ ગણાવ્યા હતા.
૩૧ ઓગસ્ટ ૧૯૯૫ના રોજ બીયંત સિંહને પંજાબ એન્ડ હરિયાણા સચિવાલય બહાર બોમ્બ વિસ્ફોટ કરીને મારી નાંખવામાં આવ્યા હતા. વિસ્ફોટમાં માનવ બોમ્બ બનેલા પંજાબ પોલીસના કેન્સટેબલ દિલાવર સિંહ સહિત ૧૭ જણા માર્યા ગયા હતા.