ચારેબાજુ બેરોજગારીની વાતો ચાલી રહી છે ત્યારે અંગત બાબતોના રાજ્યમંત્રી જીતેન્દ્રસિંહે આજે રાજ્યસભામાં માહિતી આપતા કહ્યું હતું કે, માર્ચ ૨૦૧૮ સુધી કેન્દ્ર સરકારના જુદા જુદા વિભાગોમાં આશરે સાત લાખ હોદ્દાઓ ખાલી હતા. ગ્રુપ સીમાં ૫૭૪૨૮૯ પોસ્ટ ખાલી હતી જ્યારે ગ્રુપ બીમાં ૮૯૬૩૮ અને ગ્રુપ એમાં ૧૯૮૯૬ પોસ્ટ માર્ચના આંકડા મુજબ ખાલી હતી. ખાલી પોસ્ટની કુલ સંખ્યા ૬૮૮૮૨૩ રહી છે. તેમણે કહ્યું હતું કે, ૨૦૧૯-૨૦માં સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા ૧૦૫૩૩૮ પોસ્ટને ભરવામાં આવનાર છે. સાત લાખ ખાલી પોસ્ટ પૈકી આ વર્ષે એક લાખથી વધારેની ભરતી કરવામાં આવનાર છે. જીતેન્દ્રસિંહે કહ્યું છે કે, ૨૦૧૭-૧૮ના ગાળા દરમિયાન રેલવે મંત્રાલય અને રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ તરફથી સેન્ટ્રલાઈઝ્ડ નોટિફિકેશન હેઠળ ૧૨૭૫૭૩ પોસ્ટ માટે નોટિફિકેશન જારી કરવામાં આવ્યા હતા.
આ ઉપરાંત ૨૦૧૮-૧૯માં ગ્રુપ સી અને લેવલ-૧ પોસ્ટ માટે પાંચ સીઈએન જારી કરવામાં આવ્યા હતા જે હેઠળ ૧૫૬૧૩૮ જગ્યાઓ દર્શાવવામાં આવી હતી. એકંદરે ૪૦૮૫૯૧ વેકેન્સી ભરવાની પ્રક્રિયા ચાલી રહી છે. જીતેન્દ્રસિંહે એમ પણ કહ્યું હતું કે, ભરતી પ્રક્રિયામાં તેજી લાવવા માટે પહેલી જાન્યુઆરી ૨૦૧૬થી અનેક વેકેન્સી માટે ઇન્ટરવ્યુની પ્રક્રિયા બંધ કરવામાં આવી હતી. મોટાભાગના ટેસ્ટ ઓનલાઈન લેવામાં આવી રહ્યા છે. એસસી, એસટી અને ઓબીસી કેટેગરી માટે રિઝર્વ બેકલોગ વેકેન્સીમાં પણ મોટી સંખ્યા રહેલી છે. આ તમામ બાબતોને ધ્યાનમાં લઇને વિવિધ પગલા લેવામાં આવી રહ્યા છે.
યુઝર ડિપાર્ટમેન્ટ દ્વારા જારી કરવામાં આવેલા અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, ભરતીની પ્રક્રિયા ઉપર ધ્યાન આપવામાં આવી રહ્યું છે. ૨૦૧૭-૧૮ દરમિયાન જુદા જુદા ગ્રુપ સી અને લેવલ-૧ પોસ્ટની સંયુક્તરીતે ૧૨૭૫૭૩ જગ્યાઓ માટે રેલવે મંત્રાલય અને રેલવે ભરતી બોર્ડ દ્વારા જાહેરનામુ જારી કરવામાં આવ્યું હતું. સિંહે કહ્યું હતું કે, ટૂંકા ગાળામાં જ ખાલી જગ્યાઓની સંખ્યામાં પણ વધારો થઇ ગયો છે. જુદા જુદા ગ્રુપ સી અને લેવલ-૧ પોસ્ટની ૧૫૬૧૩૮ જગ્યાઓને આવરી લઇને સેન્ટ્રાલાઈઝ્ડ એમ્પ્લોઇમેન્ટ નોટિફિકેશન જારી કરવામાં આવી ચુક્યા છે.
ટપાલ વિભાગ દ્વારા પણ ૧૯૫૨૨ જગ્યાઓને ભરવા માટે પરીક્ષા લેવામાં આવી રહી છે. જુદા જુદા ગ્રેડમાં એસએસસી મારફતે અથવા તો સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા જગ્યાઓ ભરવામાં આવી રહી છે. ભરતી પ્રક્રિયા એસએસસી દ્વારા હાથ ધરવામાં આવી છે જે હાલમાં ચાલી રહી છે. એસએસસી, આરઆરબી અને ડિપાર્ટમેન્ટ ઓફ પોસ્ટ દ્વારા આ ભરતી કરવામાં આવી રહી છે.
૧૦ મંત્રાલયો અને વિભાગો પૈકી છ દ્વારા માહિતી આપવામાં આવી છે કે, ૩૧મી ડિસેમ્બર ૨૦૧૭ સુધી ૧૩૯૬૮ બેકલોગ જગ્યાઓ પૈકી (એસટી માટે) પૈકી ૧૧૦૪૦ બેકલોગ જગ્યાઓ ભરવામાં આવી ચુકી છે. ઓબીસી માટે ૨૦૦૪૪ બેકલોગ જગ્યાઓ અને એસસી માટે ૮૧૮૬ બેકલોગ જગ્યાઓ ભરવામાં આવી ચુકી છે. તેમણે કહ્યું છે કે, પહેલી જાન્યુઆરી ૨૦૧૮ના આંકડા મુજબ એસસી માટે ૭૭૮૨ બેકલોગ જગ્યાઓ અને એસટી માટે ૬૯૦૩ બેકલોગ જગ્યાઓ ભરવામાં આવી નથી.