નવા ગઠબંધનની રચનાને આખરી સ્વરુપ આપવા આજે મુંબઈમાં શિવસેનાની સાથે કોંગ્રેસ-એનસીપીની બેઠક : ગઠબંધનનું નામ મહાવિકાસ અઘાડી રહેશે
કોંગ્રેસ-એનસીપી ગઠબંધન મહારાષ્ટ્રમાં સરકારની રચનાને લઇને આશાવાદી છે. આ ગઠબંધને મહારાષ્ટ્રમાં સરકારની રચના સાથે સંબંધિત તમામ મુદ્દાઓ ઉપર તેમની ચર્ચા પરિપૂર્ણ કરી લીધી છે. હવે આવતીકાલે ગઠબંધનની રચનાને આખરી ઓપ આપવા મુંબઈમાં શિવસેના સાથે મળીને સરકારની રચનાના મુદ્દા પર વાતચીત થશે.
મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી પૃથ્વીરાજ ચૌહાણે કોંગ્રેસ અને એનસીપીના નેતાઓની બેઠક બાદ પત્રકારો સાથે વાતચીત કરતા કહ્યું હતું કે, તમામ મુદ્દાઓ ઉપર સંપૂર્ણ સર્વસંમતિ થઇ ચુકી છે. ત્રણેય પક્ષોમાં સત્તા વહેંચણી ફોર્મ્યુલાની જાહેરાત એ વખતે કરવામાં આવશે જ્યારે શિવસેના સહિત ગઠબંધન
ભાગીદારો તેમના કોમન મિનિમમ પ્રોગ્રામ (સીએમપી)ની જાહેરાત કરશે. તેમણે કહ્યું હતું કે, તમામ મુદ્દાઓને લઇને સર્વસંમતિ થઇ ગયા બાદ મિડિયાને સૂચિત ગઠબંધનના સંદર્ભમાં માહિતી આપવામાં આવશે. આવતીકાલે શુક્રવારના દિવસે મુંબઈમાં ફરી એકવાર મિટિંગ થનાર છે. પૃથ્વીરાજે દિલ્હીમાં એનસીપીના પ્રમુખ શરદ પવાર સહિત પાર્ટીના તમામ નેતાઓ સાથે બેઠક બાદ રચનાત્મક સંકેત આપ્યા હતા. તેમણે કહ્યું હતું કે, કોંગ્રેસ નેતા સાથે પણ વાતચીત સફળ રહી છે. સરકારની રચનાને લઇને જે કવાયતો ચાલી રહી છે તેમાં કોંગ્રેસ અને એનસીપીની વચ્ચે ચર્ચાનો આગામી દોર પૂર્ણ થયો છે. તમામ મુદ્દા પર સર્વસંમતિ થઇ ચુકી છે.
હવે જે પણ ચર્ચા થશે તે મુંબઈમાં થશે. કોંગ્રેસના નેતાના નિવેદનથી સ્પષ્ટ છે કે, બંને પાર્ટી શિવસેના સાથે આગળ વધવા માટે સજ્જ છે. માત્ર સરકારના સ્વરુપ, મંત્રાલયોની વહેંચણી પર મંથન ચાલી રહ્યું છે. હકીકતમાં ચૂંટણી પૂર્વે જે ગઠબંધન અમારા પાર્ટનર હતા તેમની સાથે અમે મુંબઈમાં વાતચીત કરીશું. તેમને બેઠકોમાં પુરતી માહિતી આપવામાં આવશે.
એનસીપી અને શિવસેના સાથે બેઠક બાદ તમામ બાબતો સ્પષ્ટ કરવામાં આવશે. હવે ચર્ચા અંતિમ તબક્કામાં છે. શુક્રવારના દિવસે મુંબઈમાં અંતિમ નિર્ણય થઇ શકે છે. આવતીકાલે સાંજ સુધી મહારાષ્ટ્રમાં સરકારની રચનાને લઇને અનિશ્ચિતતાના વાદળો દૂર કરી દેવામાં આવશે. બીજી બાજુ મહારાષ્ટ્ર વિધાનસભા ભવનમાં કોંગ્રેસના ધારાસભ્યોની મહત્વપૂર્ણ બેઠક બોલાવવામાં આવી છે જેમાં પાર્ટીના વિધાનસભા પક્ષના નેતાની પસંદગી કરવામાં આવશે. ગુરુવારના દિવસે દિલ્હીમાં યોજાયેલી બેઠકમાં કોંગ્રેસ તરફથી અહેમદ પટેલ, જયરામ રમેશ, મલ્લિકાર્જુન ખાર્ગે.
ભારતીય વિપક્ષી નેતા સામેલ થયા હતા જ્યારે એનસીપી તરફથી પ્રફુલ પટેલ, સુપ્રિયા સુલે, અજીત પવાર, જયંત પાટિલ ઉપસ્થિત રહ્યા હતા. બીજી બાજુ નવા ગઠબંધનનું નામ મહાવિકાસ અઘાડી રાખવામાં આવશે અને મુખ્ય મુદ્દો ખેડૂતોનો રહેશે. આવી સ્થિતિ માં કેટલીક દુવિધાઓ પણ પ્રવર્તી રહી છે.