જયારે પર્યાવરણના જતનની વાત આવે છે ત્યારે લોકો પર્યાવરણને બચવવા માટે વિવિધ સલાહ આપતા જોવા મળશે પણ જ્યારે પર્યાવરણને બચાવવા માટે કામ કરવાની વાત આવે ત્યારે ભાગ્યે જ કોઇ આગળ આવતા હશે. પણ રાજસ્થાનના રહેવાસી એવા એક શખ્સે પોતાનું આખું જીવન પર્યાવરણ માટે સમર્પિત કરી દીધું છે. વિષ્ણુ લાંબા નામનો આ યુવક એટલો ઝનૂની છે કે તે પોતાના જીવ કરતા વધુ વૃક્ષો અને પર્યાવરણ વિશે વિચારે છે. વિષ્ણુએ પોતાના જીવનમાં પર્યાવરણ માટે કેટલાંય વખાણવા લાયક કામ કર્યાં છે.
વિષ્ણુ લાંબાને બાળપણથી જ વૃક્ષો લગાવવાનો શોખ હતો. રાજસ્થાન સ્થિત ટોંકના રહેવાસી વિષ્ણુ લાંબાએ અતિ નાની ઉંમરથી જ વૃક્ષો લગાવવાનું શરૂ કરી દીધું હતું અને પોતાના આ ઝનૂનને આગળ વધારતાં તેણે 5 લાખ રોપા લગાવી તેને મોટા પણ કર્યા છે. એટલું જ નહીં રાજસ્થાનમાં 13 લાખ વૃક્ષોને કાપાતા બચાવવાનો શ્રેય પણ લાંબાના નામે જાય છે. ખાસ વાત એ છે કે વિષ્ણુ લાંબાએ આ કામ કોઇની પણ મદદ વિના કરી બતાવ્યું છે.
લાખો વૃક્ષોથી પરિચિત વિષ્ણુ લાંબા પક્ષીઓ અને ખાણકામ વિરુદ્ધ પણ કામ કરતા રહ્યા છે. દર વર્ષે ગરમીઓમાં પક્ષીઓ માટે પરબ અને માળા બાંધે છે. રાજસ્થાનમાં અનેક ખાણ માફિયા સામે તેમણે અવાજ ઉઠાવ્યો છે. લાંબાને વૃક્ષ મિત્રના નામે પણ ઓળખવામાં આવે છે. લાંબાએ દેશને આઝાદી અપાવડાવનાર ક્રાંતિકારીઓના પરિજનોથી લઇ ફિલ્મકાર અને રાજનીતિ સાથે જોડાયેલી કેટલીય હસ્તીઓના હાથે છોડ રોપાવ્યા છે.
પર્યાવરણ માટે પોતાના પરિવારનો પણ ત્યાગ કરનાર લાંબાને પર્યાવરણ દિવસ પર પર્યાવરણ સંરક્ષણ અને સંવર્ધનના ક્ષેત્રે સેવા આપવા આપવા બદલ ‘રાજીવ ગાંધી પર્યાવરણ પુરસ્કાર’ એનાયત કરવામાં આવ્યો છે. વિષ્ણુ લાંબાનું કહેવું છે કે કોઇ પોતાના જીવનમાં 5 વૃક્ષ ન લગાવે તો તેની ચિતાને સળગાવવાનો કોઇ હક્ક નથી. તે સતત વૃક્ષો લગાવવા માટે સંદેશો આપતો રહ્યો છે.