ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડના અયોધ્યા મામલામાં સુપ્રીમ કોર્ટના ચુકાદાની સામે રિવ્યુ પિટિશન દાખલ કરવામાં આવ્યા બાદ તમામની નજરે હવે સુન્ની સેન્ટ્રલ વક્ફ બોર્ડની બેઠક પર કેન્દ્રિત થઇ ગઇ છે. ૨૬મી નવેમ્બરના દિવસે આ બેઠક મળનાર છે. જેમાં પાંચ એકર જમીન પર વક્ફ બોર્ડ દ્વારા નિર્ણય કરવામાં આવનાર છે. વક્ફ બોર્ડ વિવાદાસ્પદ જમીનના મામલામાં મુખ્ય પક્ષ તરીકે છે. આગામી બેઠકમાં વક્ફ બોર્ડ કોર્ટના આદેશની સામે યોગ્ય પાલન કરવા માટે જે કાયદાકીય મત માંગ્યા છે તે મુજબ આગળ વધનાર છે. વક્ફ બોર્ડ વિવાદાસ્પદ જમીનના મામલે યોગ્ય નિર્ણય કરવા માટે ઇચ્છુક છે. તેના પર દબાણ પણ વધી રહ્યુ છે.
વક્ફ બોર્ડના ચેરમેન જફર ફારૂકીએ કહ્યુ છે કે સૌથી પહેલા મામલો એ છે કે સુપ્રીમ કોર્ટના ચુકાદાને પાળવા માટે ક્યા પગલા લેવા જાઇએ. અત્રે નોંધનીય છે કે છેલ્લા ૭૦ વર્ષથી ચાલી રહેલી કાયદાકીય લડાઇ, ૪૦ દિવસ સુધી સતત ચાલેલી મેરેથોન સુનાવણી બાદ આખરે નવમી નવેમ્બરના દિવસે અયોધ્યા મામલામાં સુપ્રીમ કોર્ટે તેનો ઐતિહાસિક ચુકાદો આપી દીધો હતો. સુપ્રિમ કોર્ટે સંપૂર્ણ વિવાદાસ્પદ જમીન રામલલા વિરાજમાનને સોંપવાનો હુકમ કર્યો હતો. સાથે સાથે સુન્ની વક્ફ બોર્ડને અયોધ્યામાં જ કોઈ અન્ય જગ્યા પર પાંચ એકડ જમીન આપવાનો હુકમ કર્યો હતો.
આ ચુકાદા પર ભારતભરમાં તમામ લોકોની બાજ નજર રહેલી હતી. રાજકીય રીતે ખુબ જ સંવદેનશીલ ગણાતા રામજન્મભૂમિ-બાબરી મસ્જિદ વિવાદ પર સુપ્રીમ કોર્ટની પાંચ જજની બેંચે સર્વસંમંતિથી અથવા તો ૫-0થી આ ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો. નિર્મોહી અખાડાના દાવાને ફગાવી દેવામાં આવ્યો છે. સાથે સાથે સુપ્રીમ કોર્ટે રામલલા વિરાજમાન અને સુન્ની વક્ફ બોર્ડને જ પક્ષકાર તરીકે ગણ્યા હતા.
ટોપની કોર્ટે અલ્હાબાદ હાઇકોર્ટ દ્વારા વિવાદાસ્પદ જમીનને ત્રણ હિસ્સામાં વિભાજિત કરવાના નિર્ણયમાં પણ સુધારો કર્યો હતો. આખરે સુપ્રીમ કોર્ટે રામલલા વિરાજમાનની તરફેણમાં ચુકાદો આપ્યો હતો. કોર્ટે કહ્યુ હતુ કે સુન્ની વક્ફ બોર્ડને કોઇ અન્યત્ર જગ્યાએ પાંચ એકર જમીન આપવામાં આવશે. સાથે સાથે કોર્ટે આદેશ કર્યો હતો કે કેન્દ્ર સરકાર મંદિર નિર્માણ માટે ત્રણ મહિના ના ગાળામાં એક ટ્સ્ટ્રની રચના કરે. આ ટ્રસ્ટમાં નિર્મોહી અખાડાને પ્રતિનિધીત્વ આપવાનો આદેશ કરવામાં આવ્યો હતો. ભરચક ભરેલા કોર્ટ રૂમ નંબર એકમાં ચીફ જસ્ટીસ રંજન ગોગોઇએ આશરે ૪૫ મિનિટ સુધી એક એક કરીને ચુકાદો વાંચ્યો હતો.
સુપ્રીમ કોર્ટની બંધારણીય બેંચે આખરે ૨.૭૭ એકર જમીનની માલિકી હક રામલલા વિરાજમાનને આપી દીધા હતા. વક્ફ બોર્ડ બેઠકમાં સુપ્રીમ કોર્ટના ચુકાદા મુજબ અયોધ્યામાં મસ્જિદ બનાવવા માટે પાંચ એકર જમીનના મુદ્દા પર નિર્ણય લેવામાં આવનાર છે. સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ લો બોર્ડ દ્વારા કઠોર વલણ અપવાનીને રિવ્યુ પિટિશન કરવા તૈયારી કરી લીધી છે.