ગુજરાત સરકારના પ્રવાસન વિભાગ દ્વારા રાજ્યમાં બીચ ટુરિઝમને પ્રોત્સાહન આપવાના હેતુથી દિવાળી વેકેશનમાં પ્રવાસીઓને આકર્ષવા માટે દર વર્ષેની જેમ આ વર્ષે પણ ત્રણ સ્થળોએ બીચ ફેસ્ટિવલનો પ્રારંભ કરાવવામાં આવ્યો. માધવપુર ખાતે પ્રવાસનમંત્રીશ્રી જવાહરભાઈ ચાવડા, તીથલ ખાતે વન અને આદિજાતિ વિકાસ વિભાગના રાજ્યમંત્રીશ્રી રમણભાઈ પાટકર અને માંડવી ખાતે કચ્છના સાંસદસભ્યશ્રી વિનોદભાઈ ચાવડાના હસ્તે 21 ઓક્ટોબરના રોજ બીચ ફેસ્ટિવલનો પ્રારંભ કરાવવામાં આવ્યો.
બીચ ફેસ્ટિવલ તારીખ 21 ઓક્ટોબર થી 4 નવેમ્બર સુધી માધવપુર, માંડવી (કચ્છ) અને તીથલ ખાતે યોજાશે.
પ્રવાસન વિભાગ દ્વારા રાજ્યના દરિયાકિનારે રમણીય પ્રવાસન સ્થળોને વિકસાવવામાં આવી રહ્યા છે. ગુજરાતના તમામ બીચ પર તેનું અલાયદું કુદરતી સૌંદર્ય જોવા મળે છે.
બીચ ફેસ્ટિવલમાં સહેલાણીઓ ખરા અર્થમાં આનંદ મેળવી શકે તે માટે દિવસ દરમિયાન વિવિધ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. બીચ ફેસ્ટિવલમાં પ્રવાસીઓ જુદી-જુદી ગેમ જેવી કે ડાન્સ સ્પર્ધા, ગરબા સ્પર્ધા, અંતાક્ષરી, ચિત્ર-સ્પર્ધા, ક્વિઝ, ક્લેમોડલિંગ, બાળકોની રમતો વગેરેનો પણ આનંદ માણી શકશે.
આ ઉપરાંત પ્રવાસીઓ સાહસિક પ્રવૃત્તિઓની મજા માણી શકે તે માટે બીચ સ્પોર્ટ્સ એક્ટિવિટી જેવી કે વોલીબોલ, રોપ ક્લાઈમ્બિંગ, ટાયર ક્લાઈમ્બિંગ, ઝોરબિંગ, દોરડા ખેંચ, કમાન્ડો નેટ, બીમ બેલેન્સિંગ, બર્મા બ્રિજ, કેમલ રાઇડિંગ અને હોર્સ રાઇડિંગ વગેરેનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. પ્રવાસીઓ દરિયાકિનારે મનગમતા ફોટો પાડી શકે તે માટે ફોટો કોર્નરની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. સ્થાનિક લોકોને રોજગારી મળે તે ઉદ્દેશથી હેન્ડિક્રાફ્ટ સ્ટોલ પમ ખોલવામાં આવશે અને પ્રવાસીઓ સ્થાનિક વ્યંજનોનો આનંદ માણી શકે તે હેતુથી ફૂડ સ્ટોલનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
ત્રણેય બીચ ફેસ્ટિવલના ઉદ્દઘાટન કાર્યક્રમોમાં રાજ્યના સાંસદસભ્યશ્રીઓ, ધારાસભ્યોશ્રીઓ તથા અધિકારીઓ અને પદાધિકારીઓ સહિત મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા.