સુરત : કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી આજે સવારે માનહાનિ સાથે સંબંધિત એક કેસમાં કોર્ટની સમક્ષ હાજર થઇ ગયા હતા. જો કે આ મામલામાં વધુ સુનાવણી ૧૦મી ડિસેમ્બર સુધી ટાળી દેવામાં આવી હતી. હવે રાહુલ ગાંધી ૧૧મી ઓક્ટોબરકના દિવસે વધુ એક માનહાનિના કેસમાં અમદાવાદની કોર્ટ સમક્ષ ઉપસ્થિત થનાર છે. પાર્ટીના એક વરિષ્ઠ નેતાએ કહ્યુ છે કે કાનુન પોતાની રીતે કામ કરે તે જરૂરી છે.
ગત લોકસભા ઇલેકશનનાં પ્રચારમાં કર્ણાટકની એક રેલીમાં બધાં જ ચોરોના ઉપનામ મોદી કેમ એવી ટિપ્પણી કરનાર રાહુલ ગાંધી સામે છેક સુરતની કોર્ટમાં સુરત પશ્ચિમના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ કરેલી ખાનગી ફોજદારી ફરિયાદ મામલે આજે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જા કે સુનાવણી તરત જ ટળી ગઇ હતી. રાહુલ ગાંધીની બે દિવસની ગુજરાતની મુલાકાતને લઇ ગુજરાત કોંગ્રેસના નેતાઓએ તેમના સ્વાગત અને ચર્ચાપાત્ર ઔપચારિક મુદ્દાઓની તૈયારી પહેલાથી જ કરી હતી. ઉલ્લેખનીય છે કે, બેંગ્લોરથી ૧૦૦ કિમીના અંતરે ૧૩મી એપ્રિલ, ૨૦૧૯ના રોજ રેલીમાં કોંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધીએ એક રીતે પીએમ નરેન્દ્ર મોદીની સરખામણી નીરવ મોદી, મેહુલ ચોકસી, લલીત મોદી અને વિજય માલ્યા સાથે કરી હતી.
રાહુલે જનમેદનીને પૂછયું હતુ કે, બધાં જ ચોરોના ઉપનામ મોદી કેમ હોય છે? ઉપરાંત રાફેલ સોદા મામલે નરેન્દ્ર મોદીએ ૩૦ હજાર કરોડનો પોતાના દોસ્ત અનીલ અંબાણીને આપ્યા છે. આ ટિપ્પણી મામલે સુરત કોર્ટમાં પૂર્ણેશ મોદીએ ફરિયાદ કરી હતી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને હત્યા કેસના આરોપી કહેવા બદલ રાહુલ ગાંધી વિરુદ્ધ અમદાવાદની ઘીકાંટા સ્થિત મેટ્રો કોર્ટમાં બદનક્ષીનો કેસ દાખલ થયો હતો. જેની મુદ્દત તા.૧૧ ઓક્ટોબરે હોવાથી રાહુલ ગાંધી અમદાવાદની મેટ્રો કોર્ટમાં હાજરી પણ આપશે. કેટલાંક કોંગ્રેસ અગ્રણીઓએ કોર્ટ સંકુલની મુલાકાત લીધી હતી અને મુલાકાત દરમ્યાન યોગ્ય વ્યવસ્થા જળવાઈ રહે એ માટે તૈયારી કરી હતી.