નવી દિલ્હી : અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના એક ટ્વીટના કારણે વૈશ્વિક સ્તર પર ટ્રેડ વોરની શરૂઆત થઇ હતી. ટ્રેડ વોર અથવા તો વેપારની આ લડાઇ મુખ્ય રીતે સંરક્ષણવાદના કારણે સર્જાયેલી સમસ્યા છે. જાણકાર લોકો અને નિષ્ણાંતોનુ કહેવુ છે કે ગ્લોબલ ટ્રેડ વોરના કારણે હવે આગામી દિવસોમાં વિશ્વના દેશોમાં બેરોજગારીની સમસ્યા રેકોર્ડ ગતિથી વધી શકે છે. સાથે સાથે જુદા જુદા દેશોમાં આર્થિક વિકાસની ગતિ પણ ધીમી થઇ જશે. આ ઉપરાંત પણ અમેરિકા અને ચીન વચ્ચે છેડાયેલા ટ્રેડ વોરના કારણે પ્રતિકુળ અસર થનાર છે. આના કારણે ટ્રેડ પાર્ટનર વચ્ચે પણ સંબંધ ખરાબ થનાર છે.
ટ્રેડ વોર અથવા તો વેપારની લડાઇ સંરંક્ષણવાદના કારણે ફેલાઇ રહી છે. જો કોઇ દેશ કોઇ અન્ય દેશની સાથે ટ્રેડ પર ટેરિફ અથવા તો ડ્યુટી લાગુ કરે છે અને તેને વધારી દે છે તો તેના જવાબમાં અન્ય દેશ પણ આવા પગલા ચોક્કસપણે લે છે. જો એક દેશ અન્ય દેશના પગલા બાદ તરત જ આવા કોઇ પગલા લે છે તો તે ટ્રેડ વોરની સ્થિતી છે. બે દેશોથી શરૂ થનાર ટ્રેડ વોરની સ્થિતી ધીમે ધીમે બીજા તમામ દેશોની વચ્ચે છેડાઇ શકે છે. આના કારણે વૈપારિક ટેન્શનની સ્થિતી સર્જાઇ જાય છે.
પોતાના દેશના ઉદ્યોગને બચાવવા માટે કેટલાક દેશો હવે સંરક્ષણવાદની દિશામાં આગળ વધી ગયા છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વીટ કરીને કહ્યુ છે કે સ્ટીલ આયાત પર ૨૫ ટકા ટેરિફ અને એલ્યુમિનિયમ આયાત પર ૧૦ ટકા ટેરિફ લાગુ કરવામાં આવે છે. અમેરિકા દુનિયામાં સૌથી મોટા સ્ટીલ આયાત કરનાર દેશ પૈકી છે. ટ્રમ્પે કહ્યુ છે કે જ્યારે કોઇ દેશના બિલિયન ડોલર ટ્રેડમાં ડુબી રહ્યા હોય ત્યારે ટ્રેડ વોર બિલકુલ વાજબી છે. આના કારણે તકલીફ ચોક્કસપણે છે પરંતુ આ યોગ્ય પગલુ પણ છે. ટ્રમ્પના આ પગલાનો હેતુ સ્વદેશી સ્ટીલ અને એલ્યુમિનિયમ ઇન્ડસ્ટ્રીઝને બચાવવાનો રહ્યો છે. બન્ને મેટલ્સ પર વધારે ડ્યુટી લાગુ કરવાના કારણે અમેરિકામાં આની કિંમત વધી જશે. આવી સ્થિતીમાં લોકો સસ્તી સ્વદેશી સ્ટીલ અને અન્ય મેટલ ખરીદવાની શરૂઆત કરશે.