વર્ષ ૨૦૨૨ સુધી સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉપયોગને ખતમ કરી દેવા માટેના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અભિયાનની બીજી ઓક્ટોબરના દિવસથી શરૂઆત થવા જઇ રહી છે. આને લઇને અનેક સ્વૈચ્છિક સંસ્થાઓ મેદાનમાં આવી રહી છે. સવાલ કેટલાક થઇ રહ્યા છે. સવાલ એ ઉઠી રહ્યો છે કે આખરે એકાએક આ મુદ્દો કેમ જ્વલંત બની ગયો છે ? આની પાછળ કેટલાક કારણો રહેલા છે. જેમાં મિડિયા કવરેજ, સોશિયલ મિડિયા પર આવી રહેલા હેવાલો, વિડિયો અને ફોટો તેમજ બીબીસી દ્વારા હાલમાં તૈયાર કરવામાં આવેલી એક દસ્તાવેજી ફિલ્મ બ્લુ પ્લાનેટ-૨નો સમાવેશ થાય છે. સિંગલ યુઝ પ્લાસ્ટિક સમગ્ર વિશ્વ માટે ચિંતાના એક વિષય તરીકે છે. હવે આ સમસ્યાના ગ્રીન સોલ્યુશનની જરૂર દેખાઇ રહી છે. તમામ લોકો પણ માની રહ્યા છે કે પ્લાસ્ટિકના ખતરાને જાણીને અને સમજીને હવે સામાન્ય ગ્રાહકો દ્ધારા પણ તેના ઓછામાં ઓછા ઉપયોગને લઇને તૈયારી કરી લેવામાં આવી છે.
અલબત્ત કારોબાર સાથે જોડાયેલા લોકો માટે આ બાબત ખુબ મુશ્કેલરૂપ બની રહી છે. ભારત સરકારના પર્યાવરણ મંત્રાલય દ્વારા તમામ સરકારી ઓફિસ, પબ્લિક અને પ્રાઇવેટ કંપનીઓના ઓફિસમાં પ્લાસ્ટિકની ચીડોના પ્રયોગ પર પ્રતિબંધ મુકવા માટેના આદેશ જારી કરી દેવામાં આવ્યા છે. ધીમે ધીમે આ બાબત સ્પષ્ટ થશે કે કઇ કઇ ચીજોના ઉપયોગ પર પ્રતિબંધ મુકવાની બાબત આવી રહી છે. પ્લાસ્ટિકની ચમચી, થેલીઓ, કટલરી કપ, પ્લેટ, અને થર્મોકોલથી બનેલી ચીજાના ઉપયોગ પણ પ્રતિબંધ મુકવામાં આવનાર છે. પર્યાવરણ મંત્રાલય દ્વારા ઓફિસમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉપયોગને રોકવા માટે જાગૃતિ કાર્યક્રમ એવી જ રીતે હાથ ધરવાનો નિર્ણય કર્યો છે જેવી રીતે સ્વચ્છતા અભિયાનને હાથ ધરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.
ધાર્મિક સ્થળો, પ્રવાસી સ્થળો, સ્કુલો, કોલેજામાં તેના ઉપયોગને રોકવા માટે વિવિધ પગલા લેવામાં આવી રહ્યા છે. હવે સમસ્યા છે સિંગલ યુઝ પ્લાસ્ટિકના વિકલ્પની શોધની. જે પણ એઅક પડકારરૂપ બાબત તો ચોક્કસપણે છે. જ્યાં સુધી પાણીની બોટલની વાત છે જ્યાં સુઘી યોગ્ય વિકલ્પ આવશે નહીં ત્યાં સુધી તેના પર બ્રેક મુકવાની બાબત સરળ નહીં. દુનિયાભરમાં પ્રતિ વર્ષ આશરે ૩૦૦ મિલિયન ટન પ્લાસ્ટિકનુ ઉત્પાદન કરવામાં આવે છે. સાથે સાથે તેના અડધા જથ્થાને જ નિકાલ કરવામાં સફળતા મળે છે. આમાંથી પણ આશરે આઠ મિલિયન ટન પ્લાસ્ટિક તો મહાસાગરમાં ફેંકી દેવામાં આવે છે. આ પેદાશોમાં પ્લાસ્ટિકના બગ, સ્ટ્રો સોડા અને પાણીની બોટલનો સમાવેશ થાય છે. સસ્તી કિંમત પર ઉપલબ્ધ હોવાના કારણે પ્લાસ્ટિકની ચીજો અમારી પ્રાથમિકતા બની ગઇ છે. જ્યારે પ્લાસ્ટિક અપશિષ્ટના કારણે મહાસાગર અને સરોવર, તળાવો અને નદીઓ પ્રદુષિત થઇ ગઇ છે. આના કારણે જમીન પર વનસ્પતિ, અને અન્ય જીવો માટે ભયાનક સ્થિતી સર્જાઇ ગઇ છે. પ્લાસ્ટિકની થેલીઓનો ઉપયોગનો સરેરાશ સમય ૧૨ મિનિટ જેટલો રહેલો છે. પરંતુ માનવામાં આવે છે કે તેને નષ્ટ થવામાં ૫૦૦ વર્ષ અથવા તો તેના કરતા પણ વધારે સમય લાગે છે. આ અભિયાનની સફળતા પણ અમારા પર આધારિત છે. ખાદ્ય ચીજ વસ્તુઓ અને પીણાને મુકવા માટે પ્લાસ્ટિકના ઉપયોગને બંધ કરવાની જરૂર દેખાઇ રહી છે. પ્લાસ્ટિક પેદાશો મનાટે ડિપોઝિટ અને રિફંડ સ્કીમ મારફતે સિંગલ યુઝ પ્લાસ્ટિક સામગ્રીને એકત્રિત કરવા માટેના કાર્યક્રમની પણ જરૂર દેખાઇ રહી છે. પ્લાસ્ટિક પેદાશો પર તેના કારણે થનાર નુકસાનને રોકી શકાશે.
પ્લાસ્ટિકના કારણે કઇ કઇ રીતે નુકસાન થાય છે તેને રોકવાની પણ જરૂર છે. આ અંગે તમામ લોકોને માહિતી આપવામાં આવે તે જરૂરી છે. કારોબારીઓને પણ પ્લાસ્ટિકના ઉત્પાદનને બંધ કરવામાં આવ્યા બાદ તેમને થનાર નુકસાનની ભરપાઇ માટે પગલા લેવા જોઇએ. પ્લાસ્ટિકના નિર્માણના બદલે અન્ય વિકલ્પના નિર્માણ કરવા માટે તેમને નાણાંકીય સહાય અને તમામ સુવિધા આપવામાં આવે તે ખુબ જરૂરી છે. પર્યાવરણના જતન માટે જુદા જુદા પગલા લેવામાં આવી રહ્યા છે. અભિયાનને સફળતા એ જ વખતે મળશે જ્યારે મજબુત ઇચ્છાશક્તિ સાથે લોકો અને સરકાર આગળ વધશે.