વિશ્વબેન્કે પોતાના રિપોર્ટમાં ભારતના મોદી સરકારના મહત્ત્વાકાંક્ષી ટેક્સ સુધારા કાર્યક્રમ ગૂડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) પર ગંભીર સવાલો ઉઠાવ્યા છે. તેમાં જણાવાયું છે કે ભારતમાં જીએસટીનું ફોર્મ સૌથી જટિલ છે અને તેના ટેક્સનો દર દુનિયામાં બીજા ક્રમના સૌથી ઊંચો દર છે. વિશ્વ બેન્કે બુધવારે ઈન્ડિયા ડેવલપમેન્ટ અપડેટનો છ માસિક રિપોર્ટ જારી કર્યો હતો. તેમાં વિશ્વબેન્કે ભારતમાં લાગુ જીએસટીને પાકિસ્તાન અને ઘાનાની શ્રેણીમાં રાખ્યું છે. રિપોર્ટ અનુસાર, ૧૧૫ દેશોમાં ભારતમાં ટેક્સનો દર બીજા ક્રમનો સૌથી ઊંચો દર છે. રિપોર્ટમાં સામેલ દેશોમાં ભારતની જેમ જ ઈનડાઈરેક્ટ ટેક્સ સિસ્ટમ અમલી છે.
દુનિયાના ૪૯ દેશોમાં જીએસટી અંતર્ગત એક અને ૨૮ દેશોમાં બે સ્લેબ છે. ભારત સહિત પાંચ દેશોમાં તેને અંતર્ગત પાંચ સ્લેબ બનાવવામાં આવ્યા છે. ભારત ઉપરાંત તેમાં ઈટાલી, લક્ઝમ્બર્ગ, પાકિસ્તાન અને ઘાના જેવા દેશો સામેલ છે. ભારત સિવાય ચારેય દેશોની અર્થવ્યવસ્થા પડકારોનો સામનો કરી રહી છે. વિશ્વ બેન્કે પોતાના રિપોર્ટમાં ટેક્સ રેટ ઓછો કરવાની સાથે કાયદાકીય જોગવાઈઓ અને પ્રક્રિયાઓને સરળ બનાવવાની સલાહ આપી છે. આ સાથે જ વિશ્વ બેન્કે ટેક્સ રિફંડની ધીમી ગતિ અંગે પણ ચિંતા વ્યક્ત કરી છે. તેમાં તેની અસર મૂડીની ઉપલબ્ધતા પર પડવાની વાત કહેવામાં આવી છે.
રિપોર્ટમાં ટેક્સ સિસ્ટમની જોગવાઈઓને અમલમાં લાવવા માટે થનારા ખર્ચ અંગે પણ સવાલો ઉઠાવવામાં આવ્યા છે. વિશ્વ બેન્કે આંતરરાષ્ટ્રીય અનુભવોનાં આધારે ભવિષ્યમાં સ્થિતિમાં સુધારો આવવાની આશા વ્યક્ત કરવામાં આવી છે. ભારત સરકાર દ્વારા ૧ જુલાઈ, ૨૦૧૭ને અમલમાં લાવવામાં આવેલા જીએસટીના માળખામાં પાંચ સ્લેબ (૦, ૫, ૧૨ અને ૨૮ ટકા) બનાવવામાં આવ્યા છે. તમામ વસ્તુઓ અને સેવાઓને આ જ માળખામાં રાખવામાં આવ્યા છે. સરકારે અનેક ચીજો અને સેવાઓને જીએસટીના વ્યાપની બહાર પણ રાખી છે અને અમુક પર ઘણો ઓછો ટેક્સ લગાવાયા છે.
જેમકે સોના પર ત્રણ ટકા તો કિંમતી રત્નો પર ૦.૨૫ ટકાના દરે કર લગાવવામાં આવ્યો છે. જ્યારે દારૂ, પેટ્રોલિયમ ઉત્પાદનો, રિયલ એસ્ટેટ પર લાગનારી સ્ટેમ્પ ડ્યૂટી અને વીજળી બિલને જીએસટીમાંથી બાકાત રખાયા છે. નાણામંત્રી અરૂણ જેટલીએ ૧૨ અને ૧૮ ટકા સ્લેબને એક કરવાનું વચન આપ્યું છે. જો કે, તેમણે એમ પણ સ્પષ્ટ કર્યું છે કે ટેક્સ ચૂકવવામાં સુધારા અને મહેસૂલમાં વધારા પછી જ આ કદમ ઉઠાવવામાં આવશે. ગત વર્ષે નવેમ્બરમાં જીએસટી કાઉન્સિલની ગૌહાટીમાં આયોજિત બેઠકમાં ૨૮ ટકાના સ્લેબ અંગે મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો. આ અગાઉ તેમાં ૨૨૮ ચીજો અને સેવાઓને આવરી લેવાઈ હતી, જેની ૫૦ સીમિત કરી દેવાઈ છે.