કેવડિયા : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે નર્મદા મૈયાની મહાઆરતી કરી હતી. સાથે સાથે નર્મદાના નીરના વધામણા કર્યા હતા. તેમની સાથે ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્યપ્રધાન નિતિન પટેલ સહિત કેબિનેટના મોટા ભાગના પ્રધાનો હાજર રહ્યા હતા. મોદીએ ઐતિહાસિક સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આવેલા વિવિધ પ્રોજેક્ટોનુ નિરીક્ષણ કર્યુ હતુ. મોદીએ ઇકો ટુરિઝમ સાટિ, રિવર રાફ્ટિંગ, જંગલ સફારી, બટર ફ્લાય પાર્ક, એકતા નર્સરી અને વિશ્વ વનની મુલાકાત લીધી હતી. બટર ફ્લાય પાર્કમાં મોદીએ પતંગિયા ઉડાવ્યા હતા. રૂપાણી પણ તેમની સાથે આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.
ત્યારબાદ મોદી કેવડિયા ખાતે ૧૩૮.૬૮ મીટરની ઐતિહાસિક સપાટીએ પહોંચેલા નર્મદાના નીરના વધામણ કર્યા હતા. ત્યારબાદ મોદી જુદા જુદા કાર્યક્રમમાં જાડાયા હતા. આજે તેમના દિવસની ઉજવણી પણ કરવામાં આવી રહી છે. ૧૦૦થી વધારે વિદ્ધાન ભુદેવો વેદોક્ત મત્રોચ્ચાર કરીને મહા આરતી કરવામાં આવી હતી. મોદીએ નારિયળ અને ચૂદડી નર્મદા નદીમાં અર્પણ કરી હતી. અત્રે નોંધનીય છે કે કેવડિયા ખાતે સરોવર નર્મદા ડેમની ૧૩૮.૬૮ મીટરની સર્વોચ્ચ સપાટી રવિવારે સાંજે પાર કરી હતી. નર્મદા ડેમના નવા દરવાજા નાખ્યા બાદ કરવામાં આવેલા લોકાર્પણને આવતીકાલે બે વર્ષ પૂર્ણ થાય છે પીએમ મોદીના આગમન અને તેમના કાર્યક્રમને લઇને પહેલાથી જ એસપીજીની આગેવાનીમાં લોખંડી પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે.
ખાસ કરીને ડોગ સ્કવોડ અને બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ દ્વારા રાઉન્ડ ધી કલોક સઘન ચેકિંગ હાથ ધરાઇ ગયુ હતુ. ગુજરાતના જનજનમાં મા નર્મદાના જળને નમામિ દેવી નર્મદે મહોત્સવથી વધાવવાનો અનેરો ઉમંગ ઊત્સાહ જોવા મળી રહ્યો છે. રાજ્યભરમાં મંત્રી મંડળના સભ્યો સહિત મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં તમામ જિલ્લા મથકોએ મુખ્ય કાર્યક્રમો તથા તાલુકા મથકોએ પણ કાર્યક્રમોનું આયોજન કરાયું છે. એટલું જ નહિ તમામ જિલ્લા પંચાયત સીટ દીઠ નમામિ દેવી નર્મદે મહોત્સવમાં વિવિધ રાજકીય અગ્રણીઓ ઉપસ્થિત દેખાઇ રહ્યા છે. મંત્રી જાડેજાએ કહ્યું કે, રાજ્યભરમાં ગામો તથા નગરોમાં સવારે લોકમાતા મા નર્મદા નીરના વધામણા શ્રીફળ ચુંદડી અર્પણ કરી મહાઆરતી કરવામાં આવી રહી છે. સાથે સાથે નદી કાંઠા, તળાવો, ચેકડેમ જેવા જળસ્ત્રોતોની સફાઇ પણ હાથ ધરવામાં આવી રહી છે. સાથોસાથ ગ્રીન ગુજરાતની સંકલ્પના સાકાર કરતા વૃક્ષારોપણ કાર્યક્રમો પણ આ મહોત્સવ અંતર્ગત યોજાઇ રહ્યા છે.
જિલ્લા મથકો અને નગરો મહાનગરોમાં આ જન ઉત્સવમાં લોક કલાકારો પ્રખ્યાત ગાયકો, ગુજરાતી ફિલ્મી કલાકારો, લોકસાહિત્યના અગ્રણી કલાકારો પણ સહભાગી થઇને નર્મદા મૈયાના જળ વધામણા કરતા ગીતોની સંગીત મઢી પ્રસ્તુતિ કરી રહ્યા છે. વરિષ્ઠ સાધુ-સંતો, ધર્મગુરૂઓ, સેવાભાવી સંગઠનોના વડાઓ સહિત વિવિધ ક્ષેત્રના ગણમાન્ય વ્યકિત વિશેષો પણ આ જનઉમંગ ઉત્સવ સાથે જાડાયા છે. મોદી ગઇકાલે મોડી રાત્રે અમદાવાદ આવી પહોંચ્યા હતા. ત્યારબાદ રાત્રી રોકાણ બાદ આજે સવારે કેવડિયા પહોંચી ગયા હતા. જ્યાં તેમના જુદા જુદા કાર્યક્રમની શરૂઆત થઇ ગઇ હતી.