એક સમય એવો હતો જ્યારે ટીમ ઇન્ડિયાના વિદેશી પ્રવાસમાં યજમાન ટીમો ખુબ જ ઝડપી વિકેટ બનાવીને અમારી હાલત કફોડી બનાવી દેતી હતી. જો કે હવે આવુ કરતા પહેલા યજમાન ટીમો ૧૦૦ વખત વિચારતી થઇ ગઇ છે. કારણ કે ભારતના જે બોલર હાલમાં ઉભરીને આવ્યા છે તે યજમાન દેશોની ઝડપી વિકેટનો તેમના કરતા વધારે લાભ ઉઠાવીને તેમના ડાંડિયા ડુલ કરી દેવાની સ્થિતી ધરાવે છે. હાલમાં જ ટેસ્ટ શ્રેણીમાં વેસ્ટ ઇન્ડિઝ પર જીત મેળવી લીધા બાદ વિરાટ કોહલીના નેતૃત્વમાં ભારતીય ટીમ નવા નવા રેકોર્ડ સર્જવા તરફ કુચ કરી રહી છે. વેસ્ટ ઇન્ડિઝ સામે જીત મેળવી લીધા બાદ કેપ્ટન વિરાટ કોહલી મહેન્દ્રસિંહ ધોનીને પાછળ છોડીને ભારતના હજુ સુધીના સૌથી સફળ કેપ્ટન તરીકે બની ગયો છે. આ જીતની સાથે જ વિરાટ કોહલીએ પોતાના નેતૃત્વમાં રમાયેલી ૪૮ ટેસ્ટ મેચ પૈકી ૨૮ ટેસ્ટ મેચ જીતી લઇને નવો રેકોર્ડ સર્જી દીધો છે.
આ સિરિઝથી પહેલા મહેન્દ્રસિંહ ધોનીના નામ પર ૬૦ ટેસ્ટ મેચોમાં ૨૭ ટેસ્ટ જીતનો રેકોર્ડ હતો. સ્વાભાવિક છે કે વિરાટ કોહલીએ ધોનીથી ૧૨ ટેસ્ટ ઓછી રમીને આ રેકોર્ડ કરી દીધો છે. આ ટેસ્ટ શ્રેણી દરમિયાન તે સૌરવ ગાંગુલીના રેકોર્ડને તોડીને વિદેશની જમીન પર સૌથી સફળ રહેલા ભારતીય કેપ્ટન તરીકેની યાદીમાંપણ સામેલ થઇ ગયો હતો. હજુ સુધી વિદેશનની જમીન પર ૨૮ પૈકી ૧૧ ટેસ્ટ જીતનો રેકોર્ડ સૌરવ ગાંગુલીના નામ પર હતો. હવે ૨૭માંથી ૧૩ ટેસ્ટ મેચ જીતવા માટેનો રેકોર્ડ વિરાટ કોહલીના નામ પર થઇ ગયો છે. ભારતીય ટેસ્ટ કેપ્ટનોના સફરની શરૂઆત સીકે નાયડુ દ્વારા કરવામાં આવી હતી. તેઓએ ૧૯૩૨માં પ્રથમ વખત ઇંગ્લેન્ડની સામે કેપ્ટનશીપની શરૂઆત કરી હતી. જો કે શરૂઆતી પ્રવાસ કેપ્ટનને એક બે સિરિઝની બાદ જ બદલી નાંખવામાં આવતા હતા. જા કે યોગ્ય રીતે વાત કરવામા આવે તો મન્સુર અલી ખાન પટોડીને ૧૯૬૧-૬૨માં કેપ્ટન બનાવી દેવામાં આવ્યા બાદ કેપ્ટનને પ્રાથમિકતા મળવાની શરૂઆત થઇ ગઇ હતી. ત્યારબાદ જ કેપ્ટનના રેકોર્ડ પણ બનવા લાગી ગયા હતા. આ સિલસિલાને આગળ વધારી દેવાની જવાબદારી હાલમાં વિરાટ કોહલીના ખભા પર છે. તે હાલના સમયમાં ટેસ્ટ ક્રિકેટમાં ૫૮.૩૩ ની સરેરાશ સાથે સફળતા હાંસલ કરી ચુક્યો છે. જો વિરાટ કોહલી આગામી ચાર પાંચ વર્ષમાં આ રેકોર્ડને જાળવી રાખશે તો ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધારે સફળ દક્ષણિ આફ્રિકાના કેપ્ટન ગ્રીમ સ્મીથના રેકોર્ડને તોડી દેશે.
વિરાટ કોહલીએ કેપ્ટન તરીકે સફળ રહેવાની સાથે સાથે બેટિંગમાં પણ જોરદાર સફળતા મેળવી છે. ટેસ્ટ ક્રિકેટમાં તે હજુ સુધી ૨૫ અને વનડે ક્રિકેટમાં ૪૩ સદી ફટકારી ચુક્યો છે. વિરાટ કોહલી જો આવી જ રીતે રમતો રહેશે તો આગામી વર્ષે કોઇ પણ સમય તે સચિનના રેકોર્ડને તોડી દેશે. વનડેમાં સદીના રેકોર્ડની નજીક વિરાટ કોહલી પહોંચી રહ્યો છે. કોઇ પણ કેપ્ટન અને કોચની સફળતા ટીમના પ્રદર્શન પર નિર્ભર રહે છે. કેટલીક વખત ટીમ એટલી મજબુત બની જાય છે કે કેપ્ટન અને કોચ કઇ પણ ખાસ ન કરે તો પણ ટીમ અવિરત પણે જીતી શકે છે. આ બાબત પણ વાસ્તવિક છે કે ટીમના કેપ્ટન દ્વારા પોતાના સાથી ખેલાડીઓનો કઇ રીતે ઉપયોગ કરવામાં આવે છે તે બાબત પણ સફળતા અપાવે છે. કેટલીક વખત એવુ પણ બને છે કે ટીમ એટલી મજબુત બની જાય છે કે કેપ્ટન અને અન્યો કોઇ ભુલ કરે તો પણ સફળતા મળી જાય છે. ભારતીય ટીમની વાત કરવામાં આવે તો હવે ભારતીય ટીમ તાજેતરના સમયની સૌથી મજબુત ટીમ તરીકે છે. આ બાબત પણ સ્વાભાવિક બની ગઇ છે કે હવે વનડે મેચો અને ટી-૨૦ ક્રિકેટમાં ધમાલ મચાવી દેનાર ક્રિકેટરોની ટેસ્ટ ક્રિકેટ કરતા વધારે બોલબાલા જોવા મળે છે. કારણ એ છે કે ટેસ્ટ મેચ વર્ષ દરમિયાન ૧૨-૧૪ જ રમાય છે જ્યારે વનડે મેચો અને ટ્વેન્ટી મેચોની ધુમ સમગ્ર વર્ષ દરમિયાન રહે છે. હાલના સમયની વાત કરવામાં આવે તો ટીમ ઇન્ડિયા વનડે મેચોની તુલનામાં ટેસ્ટમાં વધારે મજબુત છે.
વિશ્વ કપ અને તે પહેલા ઓસ્ટ્રેલિયાથી વનડે સિરિઝ હારી ગયા બાદ અમે જોઇ રહ્યા છીએ કે શરૂઆતી વિકેટ પડી ગયા બાદ ઇનિગ્સને સંભાળી શકે તેવા બેટ્સમેન રહ્યા નથી.