નવીદિલ્હી : ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) કાઉન્સિલની મહત્વપૂર્ણ બેઠક ૨૦મી સપ્ટેમ્બરના દિવસે મળનાર છે જેમાં શ્રેણીબદ્ધ નિર્ણયો આર્થિક સુસ્તીને દૂર કરવા માટે લેવામાં આવે તેવી શક્યતા છે. ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ કાઉન્સિલની મળનારી આ બેઠકમાં ઓટો અને બિસ્કિટ જેવા ક્ષેત્રોમાં રેવેન્યુ નુકસાનને પહોંચી વળવા માટે કેટલાક પગલા લેવામાં આવી શકે છે. રેવેન્યુ નુકસાનને પહોંચી વળવા માટે આઠ ટકા સુધી પાંચ ટકા સ્લેબ વધારવા પર ચર્ચા કરવામાં આવી શકે છે. ૨૦મી સપ્ટેમ્બરની આ બેઠકમાં અન્ય મહત્વપૂર્ણ મુદ્દા પણ રહેલા છે. સમગ્ર ઘટનાક્રમ પર નજર રાખી રહેલા લોકોનું કહેવું છે કે, નિચલા સ્લેબને ૫થી ૮ ટકા વચ્ચે રાખવામાં આવી શકે છે. ઓટો અને બિસ્કિટ જેવા ક્ષેત્રોમાં પ્રોત્સાહન આપવા માટે ઓટો સેક્ટર દ્વારા વર્તમાન ૨૮ ટકા અને સેસના રેટને ઘટાડીને ૧૮ ટકા કરવાની માંગ કરવામાં આવી રહી છે.
આવી જ રીતે બિસ્કિટમાં પણ વર્તમાન ૧૮ ટકા રેટને ઘટાડીને ૧૨ ટકા કરવાની માંગ થઇ રહી છે. રાજ્યો દ્વારા કેટલાક બોજને ઉપાડવાની જવાબદારી સોંપવામાં આવી શકે છે. રેવેન્યુ નુકસાનને પહોંચી વળવા માટે સ્લેબમાં વધારો કરવામાં આવી શકે છે. રાજ્યોને આપવામાં આવી રહેલા વળતરને પહેલાથી જ વધારવામાં આવી ચુક્યું છે. જીએસટી કાઉન્સિલની બેઠકમાં અન્ય દરખાસ્તો પણ રહેલી છે. નામ જાહેર નહીં કરવાની શરતે અધિકારીઓએ કહ્યું છે કે, કાઉન્સિલની બેઠક પણ લોકોને સ્પર્શતા તમામ મુદ્દા પર ચર્ચા થશે. જીએસટી માળખાને સુધારવાની દિશામાં પહેલ કરવામાં આવી રહી છે. ગ્રોથમાં નવા પ્રાણ ફુંકવા માટે જીએસટી માળખાને વધુ વ્યવસ્થિત કરવામાં આવનાર છે. રાજ્યો અને કેન્દ્ર સરકારના અધિકારીઓની બનેલી ફિટમેન કમિટિની બેઠક ગયા સપ્તાહમાં મળી હતી જેમાં ઓટો મોબાઇલ ઉપર રેટમાં કાપની રેવેન્યુ અસરને ઓછી કરવાના મુદ્દા ઉપર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. જીએસટી કાઉન્સિલની આ બેઠક ૨૦મી સપ્ટેમ્બરના દિવસે ગોવામાં મળનાર છે જેમાં આ તમામ મામલા પર અંતિમ નિર્ણય લેવામાં આવનાર છે.
ઓટો મોબાઇલ સેક્ટર ઇચ્છે છે કે, પેસેન્જર વાહનો ઉપર જીએસટી રેટને ૨૮ ટકાથી ઘટાડીને ૧૮ ટકા કરવામાં આવે. ઉપરાંત ઓટો સેક્ટર દ્વારા એકથી ૨૨ ટકાની રેંજમાં વળતરરુપ સેસનો સામનો પણ કરવામાં આવી રહ્યો છે. માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરી કહી ચુક્યા છે કે, હાઈબ્રીડ અને અન્ય વાહનો ઉપર જીએસટીને ઘટાડી શકાય છે. જીએસટી ઇન્ટેલીજન્સ એન્ડ ડિરેક્ટોરેટ જનરલ ઓફ રેવેન્યુ ઇન્ટેલીજન્સ દ્વારા ગુરુવારના દિવસે જ ગેરકાયદે છેતરપિંડીમાં રહેલા નિકાસકારો ઉપર કામગીરી હાથ ધરી હતી. નાણામંત્રીનું કહેવું છે કે, ૪૭૦ કરોડથી વધના ઇન્પુટ ટેક્સ ક્રેડિટનો આંકડો ખોટો રહેલો છે.