અમદાવાદ : જના સ્મોલ ફાઇનાન્સ બેન્કે આજે અમદાવાદમાં શાહીબાગ અને ચાંદખેડા વિસ્તારમાં નવી બ્રાન્ચ લોન્ચ કરી છે. આ લોન્ચ સાથે જનાએ ગુજરાતમાં પોતાનું નેટવર્ક વિસ્તારીને ૫૧ બ્રાન્ચ કર્યું છે. હવે બેન્ક અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, ગાંધીનગર, મહેસાણા અને ભાવનગરમાં ઉપસ્થિતિ ધરાવે છે. અમદાવાદમાં જના બેન્ક ૯૧,૮૯૪થી વધુ ગ્રાહકોને સેવાઓ પૂરી પાડે છે. સમગ્ર ભારતમાં તે ૩.૬ મિલિયન ગ્રાહકોને સેવા આપે છે તથા ૨૫૦ બ્રાન્ચમાં ૧૪,૦૦૦થી વધુ કર્મચારીઓ અને ૩૫૦થી વધુ એસેટ સેન્ટર્સ ધરાવે છે.
‘પૈસે કી કદર’ સુત્ર સાથે બેન્ક ગ્રાહકોને તેમની સખત મહેનતથી કમાયેલા નાણા ઉપર સારું વળતર આપવા ઉપર કેન્દ્રિત છે અને તેથી જ ૧થી વધુ વર્ષ અને ૨ વર્ષ સુધીની ફિક્સ્ડ ડિપોઝિટ ઉપર ૮.૬ ટકા સુધીનો વ્યાજદર ઓફર કરે છે. વરિષ્ઠ નાગરિકો માટે સમાન મુદ્દત ઉપર ૯.૨ ટકા સુધીનું વ્યાજ ઓફર કરાય છે. આ ઉપરાંત પોતાના ગ્રુપ લોન કસ્ટમર્સના મહેનતના નાણાના મૂલ્યમાં વધારો કરવા બેન્ક શુન્ય બેલેન્સ – બેઝિક સેવિંગ્સ બેન્ક ડિપોઝિટ એકાઉન્ટ ઓફર કરશે.
શાહીબાગ બ્રાન્ચનું ઉદ્ઘાટન કરતાં એગ્રી સીડ્સ એસોસિયેશનના પ્રેસિડેન્ટ શ્રી રાકેશભાઇ પટેલે જણાવ્યું હતું કે, “હું શાહીબાગમાં નવી બ્રાન્ચ લોન્ચ પ્રસંગે બેન્કને અભિનંદન પાઠવું છું. ગુજરાતમાં ઘણાં વ્યક્તિઓ કારોબાર સાથે સંકળાયેલા છે અને આ લોન્ચ સાથે જના બેન્કે તેમને બેન્કિંગ સેવાઓની સરળ ઉપલબ્ધતા આપી છે. ગ્રાહકોની બેન્કિંગ જરૂરિયાતો માટે તે વન-સ્ટોપ શોપ બની રહેશે અને આશા છે કે આ બ્રાન્ચ દ્વારા ગ્રાહકોના અનુભવમાં વધારો કરશે.”
ચાંદખેડા બ્રાન્ચનું ઉદ્ઘાટન કરતાં મુખ્ય અતિથિ ઓએનજીસીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અને વડા – ડ્રિલિંગ સર્વિસિસ શ્રી દેશ રાજે જણાવ્યું હતું કે, “આ નવી બ્રાન્ચ સાથે જના સ્મોલ ફાઇનાન્સ બેન્ક લિમિટેડ વ્યક્તિઓ, ઉદ્યોગ સાહસિકો અને કારોબારીઓ જેવાં ગ્રાહકોની નાણાકીય જરૂરિયાતોને પૂર્ણ કરશે તથા બ્રાન્ચમાં આવતા સંભવિત ગ્રાહકો સમક્ષ તેમની પ્રોડક્ટ્સ અને સેવાઓ પ્રદર્શિત કરશે.”
આ લોન્ચ પ્રસંગે ઉપસ્થિત જના સ્મોલ ફાઇનાન્સ બેન્કના ગુજરાત, ઝોનલ હેડ શ્રી રાજેશ કુમારે જણાવ્યું હતું કે, “અમે વ્યક્તિઓ અને કારોબારીઓ સહિતના અમારા તમામ ગ્રાહકોના બેન્કિંગ અનુભવને સમૃદ્ધ બનાવવા કટીબદ્ધ છીએ.” તેમણે ઉમેર્યું હતું કે, “અમને ખુશી છે કે અમારી સેવાઓ દ્વારા અમે વિશેષ કરીને ગ્રામિણ અને બેન્કિંગ સુવિધાઓથી વંચિત ક્ષેત્રોના મહાત્વાકાંક્ષી ભારતીયોને વૃદ્ધિ સાધવામાં સહયોગ કરી શકીશું. અમને ખુશી છે કે અમે સમગ્ર ભારતમાં સેવા ઉપલબ્ધ કરાવવાની યોજના ધરાવીએ છીએ તથા અંદાજે ૫૦૦થી વધુ જિલ્લાઓમાં બેન્કિંગ કારકિર્દી માટે તકો પૂરી પાડીશું,” તેમ તેમણે ઉમેર્યું હતું.
ઉલ્લેખનીય છે કે એક દાયકાથી વધુ સમયગાળાની જના સ્મોલ ફાઇનાન્સ બેન્કની ટીમ ઔપચારિક ફાઇનાન્સિયલ સિસ્ટમ પૂરી પાડવા પ્રયત્નશીલ રહી છે.
સમગ્ર ભારતમાં બેન્કે ગ્રામિણ અને અંતરિયાળ વિસ્તારોમા સર્વસમાવેશક ફાઇનાન્સિયલ સર્વિસિસ પૂરી પાડવાનું સુનિશ્ચિત કર્યું છે. તાજેતરમાં કેપિટલ ફાઇનાન્સ ઇન્ટરનેશનલ (CFI.co), લંડન દ્વારા જના સ્મોલ ફાઇનાન્સ બેન્કના આ યોગદાનને સ્વિકૃતિ અપાઇ હતી અને તેને બેસ્ટ ઇન્ક્લુઝિવ ફાઇનાન્સિયલ સર્વિસ – ઇન્ડિયા ૨૦૧૮ જાહેર કરી હતી.
જના સ્મોલ ફાઇનાન્સ બેન્કની કામગીરીનો પ્રારંભ માર્ચ, ૨૦૧૮માં થયો હતો અને નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦ સુધીમાં ઓછામાં ઓછા ૨૦ રાજ્યો અને કેન્દ્ર શાસિત પરદેશોમાં ૬૯૭ બ્રાન્ચ કાર્યરત થઇ જવાની અપેક્ષા છે, જેમાં તેની ઘણી માઇક્રો ફાઇનાન્સ સ્ટોરફ્રન્ટ્સને બેન્ક બ્રાન્ચમાં પરિવર્તિત કરાશે.
ગ્રાહકોની વિવિધ જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે બેન્ક બિઝનેસ લોન, એગ્રી લોન, એફોર્ડેબલ હાઉસિંગ લોન અને ગોલ્ડ લોન જેવી પ્રોડક્ટ ઓફરિંગ્સમાં વિસ્તરણ જાળવી રાખશે.