અમદાવાદમાં ફિલ્મ સિટી સ્ટુડિયો (ભમાસરા ગામનું પાટિયું, ભમાસરા- કાનોતર ગામ રોડ, અમદાવાદ- બગોદરા નેશનલ હાઇવે) ખાતે તારીખ 9-11 સપ્ટેમ્બર, 2019 (સોમવાર, મંગળવાર અને બુધવાર)ના રોજ ” શ્રી લક્ષ્મીનારાયણ કામધેનુ મહાયજ્ઞ”નું આયોજન કરવામાં આવ્યું હતું. વિશ્વ વિખ્યાત પ્રસિદ્ધ સોમનાથ તીર્થ ખાતે, ભગવાન સોમનાથ મહાદેવ (પ્રથમ જ્યોતિર્લિંગ)ના સાનિધ્યમાં થોડા સમય બાદ યોજાનારા, 11,008 કુંડીય શ્રી લક્ષ્મી નારાયણ કામધેનુ મહાયજ્ઞ નિમિતે- ઐતિહાસિક કાર્યક્રમ પહેલાં આ યજ્ઞનું ખાસ આયોજન કરવામાં આવ્યું હતું. આ “ઐતિહાસિક યજ્ઞ”નું સમાપન તારીખ 11 સપ્ટેમ્બર (બુધવાર)ના રોજ સવારે 10:00 કલાકે થયું હતું. આ યજ્ઞમાં દિલીપભાઈ શાહ (એનિમલ વેલ્ફેર બોર્ડ ઓફ ઇન્ડિયાના ગુજરાતના ડિરેક્ટર), નરેન્દ્રસિંહજી ઝાલા, પરમપૂજ્ય કાલીદાસજી મહારાજ અને રામબાલક મહારાજ ઉપસ્થિત રહ્યાં હતા.
અવધૂત સ્વામીશ્રી નર્મદાનંદજી મહારાજે જણાવ્યું હતું કે, “પૃથ્વી પર વસુંધરાના રક્ષણ માટે પ્રાચીન ઋષિમુનિઓ દ્વારા યજ્ઞનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. સત્કર્મો દ્વારા જ યજ્ઞનું આયોજન થઇ શકે છે. હું માનું છું કે ગૌમાતાનું રક્ષણ થવું જોઈએ અને ઘરદીઠ એક ગાયનું પાલન થવું જોઈએ. સંપૂર્ણ ભારતના 12 જ્યોતિર્લિંગની પદયાત્રાનું માનસ બનાવ્યું છે જેનો પ્રારંભ 29 સપ્ટેમ્બરથી ગંગોત્રીથી થશે.”
આદ્ય પરમ પૂજ્ય શંકરાચાર્યજી પછી પ્રથમવાર સમગ્ર દેશમાં રાષ્ટ્ર માટે, પ્રસિદ્ધ બાર જ્યોતિર્લિંગને સાંકળતી 11,000 કિલોમીટરથી વધારેની પદયાત્રાનો સંકલ્પ લેનાર પરમ પૂજ્ય અવધૂત સ્વામીશ્રી નર્મદાનંદજી મહારાજના સાનિધ્ય માર્ગદર્શન હેઠળ તજજ્ઞ ભૂદેવો દ્વારા પ્રાચીન વૈદિક ઋષિમૂની વિધિ વિધાનથી આ લઘુ યજ્ઞને સંપન્ન કરાયું હતું. આ “યજ્ઞ” માં ગૌ ભક્તો, જીવદયા પ્રેમી અને રાષ્ટ્રભક્તો પણ ઉપસ્થિત રહ્યા હતા.
અવધૂત સ્વામીશ્રી નર્મદાનંદજી મહારાજ 29 સપ્ટેમ્બરથી ગંગોત્રીથી લઈને ઉજ્જૈન સુધીની પોતાની પદયાત્રા(જળયાત્રા)નો પ્રારંભ કરશે. જેમાં ગંગોત્રીથી જળયાત્રાનો પ્રારંભ કરી કેદારનાથથી બનારસ, વિશ્વનાથથી દેવગર, વૈજનાથથી રામેશ્વર, રામેશ્વરથી શૈલમ, શૈલમથી ભીમાશંકર, ભીમાશંકરથી ભુષ્ણેશ્વર, ભુષ્ણેશ્વરથી ત્રંબકેશ્વર, ત્રંબકેશ્વરથી સોમનાથ, સોમનાથથી નાગેશ્વર જ્યોતિર્લિંગ, નાગેશ્વરથી ઉજ્જૈન જઈને પોતાની જળયાત્રાનું સમાપન કરશે.