વોશિંગ્ટન : ૧૧મી સપ્ટેમ્બર ૨૦૦૧ના દિવસે અમેરિકામાં કરવામાં આવેલા ભીષણ હુમલાને ૧૯ વર્ષનો ગાળો થઇ ગયો છે પરંતુ અમેરિકાએ લીધેલા પગલાના પરિણામ સ્વરુપે આ ૧૯ વર્ષના ગાળામાં અમેરિકામાં અન્ય કોઇ આતંકવાદી હુમલો થઇ શક્યો નથી પરંતુ વિશ્વના ઇતિહાસમાં ૧૧મી સપ્ટેમ્બર ૨૦૦૧ના દિવસે કરાયેલા હુમલાને સૌથી વિનાશકારી હુમલા તરીકે જોવામાં આવે છે. બીજા વિશ્વ યુદ્ધ બાદ દુનિયામાં સૌથી વધારે મોત આ હુમલામાં થયા હતા. આજે આ હુમલાની ૧૯મી વરસીએ આ હુમલામાં માર્યા ગયેલા લોકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. ખતરનાક ત્રાસવાદી સંગઠન અલકાયદા દ્વારા આ હુમલાને અંજામ આપવામાં આવ્યો હતો. ઇસ્લામિક ત્રાસવાદી સંગઠન અલકાયદાએ અમેરિકામાં હુમલો કરીને વિશ્વભરમાં ખળભળાટ મચાવી દીધો હતો. સત્તાવારરીતે આ હુમલામાં ૨૯૯૬ લોકોના મોત થયા હતા અને ૬૦૦૦ લોકો ઘાયલ થયા હતા.
આ હુમલાના લીધે અમેરિકા જેવું શક્તિશાળી દેશ હચમચી ઉઠ્યું હતું અને પ્રોપર્ટી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ૧૦ અબજ ડોલરનું નુકસાન થયું હતું. કુલ નુકસાનનો આંકડો ત્રણ ટ્રિલિયન ડોલરની આસપાસનો રહ્યો હતો. ચાર પેસેન્જર વિમાનોનું અપહરણ કરવામાં આવ્યું હતું. યુનાઇટેડ એરલાઈન્સ અને અમેરિકન એરલાઈન્સના ચાર વિમાનોનું અપહરણ કરવામાં આવ્યું હતું. ૧૯ ત્રાસવાદીઓ દ્વારા આ વિમાનોનું અપહરણ કરાયું હતું જે પૈકી બે વિમાનો અમેરિકન એરલાઈન્સ ફ્લાઇટ ૧૧ અને યુનાઇટેડની ફ્લાઇટ ૧૭૫ને વર્લ્ડ ટ્રેડ સેન્ટરના નોર્થ અને સાઉથ ટાવર સાથે ટકરાવવામાં આવ્યા હતા. એક કલાક અને ૪૨ મિનિટના ગાળામાં બંને ૧૧૦ માળના ટાવર પત્તાના મહેલની જેમ ધરાશાયી થયા હતા અને કાટમાળમાં ફેરવાઈ ગયા હતા. વર્લ્ડ ટ્રેડ સેન્ટર સંકુલમાં તમામ અન્ય ઇમારતો પણ ધરાશાયી થઇ હતી. ૪૭ માળના સાત વર્લ્ડ ટ્રેડ સેન્ટર ટાવરને ભારે નુકસાન થયું હતું.
ત્રીજુ વિમાન જે અમેરિકન એરલાઈન્સનું ૭૭ હતુ તેને પેન્ટાગોનમાં ટકરાવવામાં આવ્યું હતું જેના લીધે પશ્ચિમી બાજુમાં ઇમારતને આંશિક નુકસાન થયું હતું. ચોથુ વિમાન જે યુનાઇટેડ એરલાઈન્સનું નંબર ૯૩ હતુ તેને વોશિંગ્ટનડીસીમાં ટકરાવવાની યોજના હતી પરંતુ આ વિમાન સ્ટોનીક્રેક ટાઉનશીપ નજીક ખુલ્લા મેદાનમાં તુટી પડ્યું હતું. કારણ કે વિમાનમાં રહેલા યાત્રીઓએ અપહરણકારો સાથે ઝપાઝપી કરી હતી. જેના લીધે આ વિમાન ખુલ્લામાં પડી ગયું હતું. અમેરિકાના ઇતિહાસમાં સૌથી મોટી ફાયરબ્રિગેડ અને લો એન્ફોર્સમેન્ટ અધિકારીઓની કવાયત ત્યારબાદ હાથ ધરાઈ હતી. આમા ૩૪૩ ફાઇયર ફાઇટર અને ૭૨ લો એન્ફોર્સમેન્ટ અધિકારીઓના પણ મોત થયા હતા.